• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

આજે મોદી અમેરિકા જવા થશે રવાના

બાઈડન અને ટ્રમ્પ બન્ને સાથે મુલાકાતની સંભાવના : રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે પણ ચર્ચા થશે

નવી દિલ્હી, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસની અમેરિકા યાત્રાએ જઈ રહ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વિમિંગટનમાં મળશે. જે બાઈડનનું ગૃહનગર પણ છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે પીએમ મોદી સાથે તેમની મુલાકાત થવાની છે. વિદેશ મંત્રાલય તરફથી હજી સુધી ટ્રમ્પ સાથે મુલાકાત અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી અને બન્ને નેતા વચ્ચેની મુલાકાતને ખારિજ પણ કરવામાં આવી નથી. પીએમ મોદીની આ યાત્રામાં યુક્રેન અને રશિયાના યુદ્ધનો મુદ્દો પણ સામેલ રહેશે. થોડા સમય પહેલા જ તેઓએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. યુદ્ધવિરામના પ્રયાસ વચ્ચે પીએમ મોદી જો બાઈડન સાથે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવાને લઈને મહત્ત્વની વાત શેર કરી શકે છે.

ત્રણ દિવસની યાત્રા હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવાની પ્રક્રિયા અને ગ્લોબલ સાઉથની ચિંતા દૂર કરવા ઉપર કેન્દ્રીત રહેશે. મોદી ડેલાવેયરના વિલમિંગટનમાં વાર્ષિક ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ ઉપરાંત ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતી શીર્ષ અમેરિકી કંપનીના સીઈઓ સાથે ગ્લોબલ સંમેલન કરશે અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન સહિત વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ થવાની છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા વિલમિંગટન પહોંચશે. જ્યાં 21 સપ્ટેમ્બરે ક્વાડ સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝ અને જાપાની પીએમ ફુમિયો કિશિદા સાથે સામેલ થશે. વિદેશ સચિવ વિક્રમ મિત્રીએ કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન આશા છે કે નવી પહેલની ઘોષણા કરવામાં આવશે. હિંદ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સ્થિરતા ઉપર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત કેન્સરના રોગીઓ અને પરિવાર ઉપર પ્રભાવ, બિમારી રોકવા, ઉપચાર કરવા અને ઓછી કરવાના હેતુથી મહત્ત્વકાંક્ષી યોજના શરૂ થવાની પણ સંભાવના છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક