• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

નવી મગફળીની આવક વધવા માંડી પણ સરકારી ખરીદીનું મુહૂર્ત નથી !

નવો પાક 45 લાખ ટન સુધી થવાની સંભાવના : વરસાદ ન પડે તો મગફળીની આવકના ટૂંકમાં ઢગલાં

રાજકોટ, તા.20: (ફૂલછાબ ન્યૂઝ) તેલિબિયાંનું ઉત્પાદન વધે એ માટે સરકાર ઓઇલ સીડઝ મિશન ચલાવે છે. ખેડૂતો આગલા વર્ષોના સારા બજારભાવ પછી પુષ્કળ વાવેતર કરે અને પાક બજારમાં આવવા લાગે છતાં ટેકાના ભાવથી ખરીદીના ઠેકાણા ન હોય ત્યારે ખેડૂતો નિરાશ થાય છે. ગુજરાતમાં મગફળી આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. બમ્પર વાવેતર ખેડૂતોએ કર્યું છે. પંદર દિવસથી આવક શરૂ થઇ ગઇ છે પણ કેન્દ્ર કે ગુજરાત સરકાર તરફથી ટેકાના ભાવે ખરીદી માટે કોઇ જ કાર્યવાહી થઇ નથી.

ગુજરાત સરકારના કૃષિ ખાતાએ મગફળીનું વાવેતર 19.10 લાખ હેક્ટરમાં નોંધ્યું છે. જે અગાઉના વર્ષમાં 16.35 લાખ હેક્ટરમાં હતુ. વાવેતર 16 ટકા જેટલું વધારે થયું છે. પાછલા બે વર્ષથી ખેડૂતોને મગફળીમાં ખૂબ સારો ભાવ મળી રહ્યો છે. બીજી તરફ કપાસમાં ભારે મંદી થતા ખેડૂતો મગફળી તરફ વળ્યા છે. જોકે આ સમયે સરકારની ફરજ છેકે મગફળીનો કોઇ કિસાન દુ:ખી ન થાય.

કેન્દ્ર સરકારે મગફળીનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 1356.60 પ્રતિ મણ નક્કી કર્યો છે. સરકાર નાફેડ દ્વારા ટેકાના ભાવથી ખરીદી માટે નોંધણી કરતી રહે છે. જોકે બે વર્ષથી સરકારી કેન્દ્રોને મગફળી મળતી નથી કારણકે બજાર ભાવ ઉંચા રહેતા હતા. જોકે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઇતિહાસમાં સૌથી મોટું રહે તેમ છે

એટલે ભાવ ગબડવાની સંભાવના ઘણી ઉંચી છે ત્યારે સરકારે પૂર્વ આયોજન કરવું જોઇએ તેવી માગ વેપારી આલમમાંથી ઉઠી છે.

મગફળીના ઉત્પાદન અંગે બજારમાં 38થી 42 લાખ ટન અને અતિશયોક્તિભર્યા અંદાજમાં 45 લાખ ટનની ધારણા છે. હવે વરસાદરૂપી આફત ખેતરો પર ન વરસે તો મગફળીનું ધારણા પ્રમાણેનું ઉત્પાદન થશે એમાં કોઇ શંકા નથી. જોકે સામે મોટો પાક દેખાય રહ્યો હોવાથી ટ્રેડરો અને વેપારીઓ પણ ભાવ અંગે ચિંતામા છે. અલબત્ત સરકારે હજુ ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી તે ચિંતાજનક છે. બારદાન-ગોદામની વ્યવસ્થા અને ખરીદીના કેન્દ્રોની સંખ્યા વગેરે માટે આ વર્ષે આગોતરું આયોજન આવશ્યક છે.

કેન્દ્રની સૂચનાથી ગુજરાતમાં સામાન્ય વર્ષોમાં લાભપાંચમથી ખરીદીનો આરંભ થાય છે. લાભપાંચમને હજુ દોઢેક મહિનાનો સમય બાકી છે અને બજારમાં નવી મગફળીની આવક અર્ધો લાખ ગુણી સુધી પહોંચી ચૂકી છે. સરકારે કમ સે કમ ખરીદીની જાહેરાત અને બારદાનની વ્યવસ્થા વગેરે અત્યારથી કરી હોય તો જ ખરીદીના રગેટને પહોંચીવળી શકાય એમ છે. વેપારી આલમમાં આ બાબતે જબરજસ્ત ચર્ચા છે. સરકાર ખરેખર ટેકાના ભાવથી મગફળી ખરીદવા ઇચ્છતી હોય અને ટેકાના ભાવથી નીચે બજારને જવા ન દેવા માગતી હોય તો અત્યારથી ખરીદીની જાહેરાત કરી દેવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક