• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

બાંગલાદેશ સામે શિકંજો કસતું ભારત : 308 રને આગળ ચેન્નાઇ ટેસ્ટના બીજા દિવસે 17 વિકેટ પડી

બીજા દાવમાં ભારતે 81 રનમાં 3 વિકેટ ગુમાવી

બાંગલાદેશનો પહેલા દાવમાં 149 રનમાં ધબડકો: બુમરાહની 4 વિકેટ

ચેન્નાઇ, તા.20: બીજા દાવમાં 81 રનમાં 3 વિકેટ ગુમાવવા છતાં પ્રથમ ટેસ્ટમાં બાંગલાદેશ સામે ભારતે મજબૂત શિકંજો કસ્યો છે. બીજા દિવસની રમતના અંતે ભારત 308 રને આગળ થયું છે. આ પહેલા આજે જસપ્રિત બુમરાહની આગેવાનીમાં બોલરોના સહિયારા દેખાવથી બાંગલાદેશની ટીમ તેના પહેલા દાવમાં 47.1 ઓવરમાં 149 રનમાં ડૂલ થઇ ગઇ હતી. આથી ભારતને મહત્ત્વની 227 રનની સરસાઇ મળી હતી. ભારતનો પ્રથમ દાવ આજે સવારે 376 રને સમાપ્ત થયો હતો. બીજા દિવસની રમતમાં ચેપોકની જીવંત પિચ પર કુલ 17 વિકેટ પડી હતી. મેચના હજુ ત્રણ દિવસ બાકી છે અને ચોથી ઇનિંગ બાંગલાદેશે રમવાની છે. તેના પર હાર ઝળુંબી રહી છે.

બાંગલાદેશ ટીમનો 149 રનમાં ધબડકો થયા બાદ ભારતે તેને ફોલોઅન ન કરી બીજો દાવ લીધો હતો. જો કે કપ્તાન રોહિત શર્મા (પ) અને વિરાટ કોહલી (17)ની નિષ્ફળતા યથાવત રહી હતી. પહેલા દાવમાં અર્ધસદી કરનાર યશસ્વી 10 રને આઉટ થયો હતો. આજની રમતના અંતે શુભમન ગિલ 33 અને ઋષભ પંત 12 રને અણનમ રહ્યા હતા. ભારતના 3 વિકેટે 81 રન થયા હતા. આથી બાંગલાદેશથી ભારત 308 રન આગળ થયું છે.

આ પહેલા ભારતની પેસ બેટરી સામે બાંગલાદેશના બેટધરો ઘૂંટણીયે પડી ગયા હતા. પૂરી ટીમ 149 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બુમરાહે પ0 રનમાં 4 વિકેટ ઝડપી હતી. સિરાજ, આકાશદીપ અને રવીન્દ્રને 2-2 વિકેટ મળી હતી. બાંગલાદેશ તરફથી શકિબ અલ હસને 32, લિટન દાસે 22, મહેંદી હસન મિરાઝે 27 અને કપ્તાન નઝમૂલ હસન શાંતોએ 20 રન કર્યાં હતા. બાંગલાદેશ ટીમનો 149 રનમાં ધબડકો થતાં ભારતને 227 રનની જોરદાર સરસાઇ મળી હતી.

ભારતે આજે તેનો પહેલો દાવ 6 વિકેટે 339 રનથી આગળ વધાર્યો હતો અને 376 રને ઓલઆઉટ થયું હતું. રવીન્દ્ર જાડેજા તેના ગઇકાલના 86 રનના સ્કોર પર જ આઉટ થયો હતો. જ્યારે આર. અશ્વિન 113 રને આઉટ થયો હતો. આકાશદીપે 17 અને બુમરાહે 7 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી હસન મહમૂદે 83 રનમાં પ વિકેટ લીધી હતી. તસકીન અહમદને 3 વિકેટ મળી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક