• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રના ફેક્ટ ચેક યુનિટને ગણાવ્યું અસંવૈધાનિક

આઈટી નિયમ 2021માં થયેલા સંશોધનને હાઈ કોર્ટના ટ્રાઈ બ્રેકર જજે ખારિજ કર્યા

નવી દિલ્હી, તા. 20 : બોમ્બે હાઈકેર્ટે શુક્રવારે આઈટી નિયમોમાં 2023ના સંશોધનને અસંવૈધાનિક ગણાવતા ખારિજ કરી દીધા છે. આ સંશોધન હેઠળ કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોતાના કામકાજ અંગે ફર્જી અને ભ્રામક સૂચનાઓની ઓળખ કરવા અને તેને ખારિજ કરવા માટે ફેક્ટ ચેક યુનિટ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

આઈટી નિયમોમાં કરવામાં આવેલા બદલાવ સામે દાખલ થયેલી અરજી ઉપર સુનાવણી કરતા જસ્ટિસ અતુલ ચંદુરકરની ટાઈ બ્રેકર બેંચે કહ્યું હતું કે તેઓના માનવા પ્રમાણે સંશોધન ભારતના સંવિધાનના અનુચ્છેદ 14 અને અનુચ્છેદ 19નું ઉલ્લંઘન કરે છે. હકીકતમાં જાન્યુઆરી 2024માં જસ્ટિસ ગૌતમ પટેલ અને ડો. નીલા ગોખલેની ખંડપીઠ દ્વારા અલગ અલગ ચુકાદો આપવામાં આવ્યા બાદ કેસ ટાઈ બ્રેકર જજ પાસે ગયો હતો. જેના ઉપર ન્યાયમૂર્તિ ચંદુરકરે કહ્યું હતું કે, સંશોધન અનુચ્છેદ 21નું પણ ઉલ્લંઘન કરે છે અને પરીક્ષણોને સંતુષ્ટ કરતા નથી.

2023મા કેન્દ્ર સરકારે આઈટી નિયમ 2021મા સંશોધન કર્યું હતું. જો કે નિયમ 3 કે જે કેન્દ્રને ખોટા ઓનલાઈન સમાચારની ઓળખ કરવા માટે એફસીયુ બનાવવાનો અધિકાર આપે છે તેને આલોચનાનો સામનો કરવો પડયો હતો. આ નિયમ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

બોમ્બે હાઈકોર્ટના જાન્યુઆરી 2024ના ચુકાદામાં જસ્ટિસ પટેલે માન્યું હતું કે પ્રસ્તાવિક ફેક્ટ ચેક યુનિટ ઓનલાઈન અને પ્રિન્ટ કંટેન્ટ વચ્ચે અલગ અલગ વ્યવહારના કારણે અનુચ્છેદ 19(1)(જી) હેઠળ મૌલિક અધિકારોનું સીધું ઉલ્લંઘન કરે છે. જો કે બીજી તરફ જસ્ટિસ ગોખલેએ કહ્યું હતું કે આઈટી નિયમોમાં સંશોધન અસંવૈધાનિક નહોતું અને અરજકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપ નિરાધાર હતા. અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર કોઈ પ્રતિબંધ નથી. જેના પરિણામે ચુકાદો ટાઈબ્રેકર જજ પાસે ગયો હતો.

સુપ્રીમે મુકી હતી

નોટિફિકેશન ઉપર રોક

કેન્દ્ર સરકારે 20 માર્ચના આઈટી રુલ્સ 2021 હેઠળ પીઆઈબીના અંડરમાં ફેક્ટ ચેક યુનિટ બનાવવાનું નોટિફિકેશન જારી કર્યું હતું. જો કે 22 માર્ચના સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લાદી દેવામાં આવી હતી.  ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ફેકટ ચેક યુનિટનું નોટિફિકેશન બોમ્બે હાઈકોર્ટના વચગાળાના ચુકાદા વચ્ચે આવ્યું હોવાથી રોક લાગવી જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા મુદ્દે હાઈકોર્ટમાં વિશ્લેષણ જરૂરી છે. આ માટે જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી નોટિફિકેશન ઉપર રોક યથાવત્ રહેશે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક