• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

યાર્ડ મગફળીથી ઉભરાય છે પણ 42 દિવસ પછી સરકારી ખરીદી! ટેકાના ભાવથી ખરીદી કરવાનું શુભમુહૂર્ત સરકારે છેક 11 નવેમ્બરનું જોયું

રાજકોટ, તા.30(ફૂલછાબ ન્યૂઝ) : મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાને પગલે ભાવ દિવસે દિવસે તૂટી રહ્યા છે અને ઘણા સેન્ટરોમાં ટેકાના ભાવ કરતાં નીચે ઉતરી ગયા છે. જોકે મંદીથી બચવા માટે સરકારને મગફળી વેંચવા ઇચ્છતા ખેડૂતોને હજુ 42 દિવસ સુધી રાહ જોવી પડશે ! કારણકે સરકારે છેક 11 નવેમ્બરનું મુહૂર્ત કાઢયું છે.

ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે કૃષિપ્રધાન રાઘવજી પટેલે 11મી નવેમ્બરથી એટલેકે લાભપાંચમ બાદ ખરીદી કરવાની જાહેરાત કરી છે. મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ સરકાર કરશે. મગફળીનો ટેકાનો ભાવ રૂ. 1356 નક્કી કરવામાં આવ્યો છે. જોકે યાર્ડમાં મગફળી અત્યારે રૂ. 800થી 1300ના ભાવમાં વેચાઇ રહી છે. અર્થાત મોટાભાગના ખેડૂતો ટેકાના ભાવથી ઓછાંમાં વેચીને છૂટ્ટા થઇ રહ્યા છે.

ટેકાના ભાવની ખરીદીની જાહેરાતમાં ખૂબ વિલંબ થયો છે. વળી, દર વર્ષે લાભપાંચમનું મુહૂર્ત કાઢતા ખેતીવાડી ખાતાએ આ વખતે લાભપાંચમ પછીનો દિવસ નક્કી કર્યો છે. આ દિવસ આજથી 42 દિવસ બાદ આવે છે. આ 42 દિવસના ગાળામાં અનેક ખેડૂતોની મગફળી સસ્તાંમાં યાર્ડમાં વેંચાઇ ગઇ હશે. યાર્ડમાં અત્યારે પણ રોજ 50-60 હજાર ગુણીની આવક થઇ રહી છે. સોમવારે તો વરસાદ અટક્યા પછી પહેલો દિવસ હતો છતાં અર્ધો લાખ ગુણી આવક હતી. તાપ પડે તો પાંચ દિવસમાં જ મગફળીની આવક એક લાખ ગુણી કરતા વધી જાય એમ છે. ખેડૂતો સસ્તાંમાં વેંચી દે એ પછી ખરીદવાનો શું અર્થ એવો સવાલ ઉપસ્થિત થયો છે. સરકારે દશેરાથી જ ખરીદી શરૂ કરી દેવી જોઇએ એવી માગ ઉઠી છે.

ચાલુ વર્ષે મગફળીનું ચિક્કાર વાવેતર થયું છે અને પાક ઘણો મોટો છે એ કૃષિ ખાતું જાણે છે. ખરેખર તો આગોતરા આયોજન વડે ખરીદી વહેલી શરૂ કરી દેવાની આવશ્યકતા હતી પણ 11 નવેમ્બર સુધીમાં તો ઘણા ખેડૂતો સસ્તામાં મગફળી વેચી ચૂક્યા હશે.

સરકારે કહ્યું છેકે, ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ખરીદી માટેની નોંઘણી 3થી 31 ઓક્ટોબર સુધી કરવામાં આવશે. ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઇ મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

મગફળીની ખરીદી રૂ. 1356.60 પ્રતિ મણ, મગની રૂ. 1736.40, અડદની રૂ. 1480 અને સોયાબીનની રૂ. 978.40ના ભાવથી ખરીદી થશે.

પાછલા વર્ષમાં પીએસએસ યોજના હેઠળ ટેકાના ભાવથી 61,372 જેટલા ખેડૂતો પાસેથી 1.18 લાખ ટન મગફળી ખીદ કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક