અળવ ગામના બે ઈસમે આપી કેફીયત,
યુટયુબ પર વીડિયો જોઈ કાવતરૂ રચ્યું : રેલ્વેનો જુનો પાંચ ફુટનો પાટો સંતાડી રાખ્યો
હતો
બોટાદ, તા.1: બોટાદના કુંડલી
ગામ નજીક થોડા દિવસો પહેલા ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો. આ બનાવમાં કાવતરૂ
રચનાર બે શખસને પકડી પોલીસે પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓએ લૂંટના
ઈરાદે ટ્રેક પર પાટાની વચ્ચે ચાર ફુટનો જુનો પાટાનો ટુકડો મુક્યો હતો. આ કાવતરૂ રચવા
માટે તેમણે યુટયુબ પર વીડિયો જોઈ માહિતી મેળવી હતી.
આ બનાવમાં બોટાદ જિલ્લા પોલીસે
તમામ પાસાને ધ્યાનમાં રાખી અલગ અલગ દિશાઓમાં આરોપીઓની શોધખોળ
કરી હતી. આ બનાવ કુંડલી ગામની
સીમમાં રેલ્વે ટ્રેક પર બનેલો હતો અને આજુબાજુ વિસ્તારમાં કોઈ સીસીટીવી નહોતા. અન્ય
કોઈ રીતે આરોપીની ભાળ મળી શકે તેમ ન હતી. જેથી આ ગુનાની ગંભીરતાને લીધે નેશનલ ઈન્વેસ્ટીગેશન
એજન્સી, અમદાવાદ એટીએસ તેમજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ પણ જોડાઈ હતી. આ ટીમો દ્વારા ટેક્નીકલ
અને હ્યુમન સોર્સની મદદથી બોટાદ જિલ્લાના અળવ ગામના રમેશ ઉર્ફે રમુડીયો કાનજી માધા
સલીયા (ઉ.55) અને જયેશ ઉર્ફે જલો નાગર પ્રભુ બાવળીયા (ઉ.24) નામના બે ઈસમ શંકાના દાયરામાં
આવ્યા હતા અને પોતે પોલીસ સમક્ષ હાજર રહેવાના બદલે ઘરેથી નીકળી ગયા અને અલગ અલગ જગ્યાએ
વાડી વિસ્તારમાં તથા અવાવરૂ જગ્યાઓમાં રહેવા લાગ્યા હતા. બોટાદ જિલ્લા પોલીસે બંનેને
ઝડપી લઈ પુછપરછ કરતા બંને ભાંગી પડયા અને પોતે કરેલા ગુનાની કબુલાત આપી હતી. તેમણે
અગાઉ પોતાના મોબાઈલમાં યુટયુબ પર રેલ્વે ટ્રેન ઉંધી પડી હોવાના અને ટ્રેનના ડબાઓ આડા
પડી ગયા હોવાના વીડિયો જોયા હતા. પોતાના ઉપર આર્થિક દેણુ હોવાથી બંનેએ સાથે મળીને ટ્રેન
ઉંધી નાખીને પેસેન્જરોને લુંટવાનું કાવતરૂ રચ્યું હતું. અગાઉથી રેલ્વેનો જુનો ચાર-પાંચ
ફુટનો કટકો રાખીને સંતાડી રાખ્યો હતો. 24 સપ્ટેમ્બરના બંને આરોપીઓએ મોટર સાયકલ લઈને
વાડીએ ગયા અને મોટરસાયકલ મુકીને રેલ્વે લાઈન પર રેકી કરી હતી. ઓખા ભાવનગર જતી ટ્રેનનો
સમય તેઓ જાણતા હતા. માલગાડી નીકળી ગયા પછી રાત્રીના અઢી વાગ્યાની આસપાસ ખાડો ખોદીને
તેમાં લોખંડનો મીટર ગેજનો પાટાનો કટકો રાખ્યો હતો. બંને આરોપી વાડીના કપાસમાં જઈ સંતાઈ
ગયેલા હતા ત્યારબાદ ત્રણેક વાગ્યાની આસપાસ કુંડલી સ્ટેશન તરફથી ઓખા-ભાવનગર ટ્રેન આવી
હતી. ટ્રેન અથડાઈ હતી. ત્યારબાદ આ બંને ત્યાંથી મોટરસાયકલ લઈને નાસી ગયા હતા. આમ આ
બંન્ને આરોપીએ આર્થિક તંગીમાં હોવાથી ટ્રેનને પાટા ઉપરથી ઉથલાવી પેસેન્જરોના પૈસા અને
ઘરેણાની લુટ કરવાનો ઈરાદે આ કૃત્ય આચર્યું હતું.