ગુજરાત
સરકારે વ્યક્ત કર્યો ખરીફ પાકનો પ્રથમ આગોતરો અંદાજ : વાસ્તવિકતાથી ભિન્ન મત
રાજકોટ,
તા.2: (ફૂલછાબ ન્યૂઝ) મગફળી અને કપાસ જેવા પાક બજારમાં આવવા લાગતા ખરીફ સીઝનની સત્તાવાર
શરૂઆત થઇ ચૂકી છે. એ સાથે હવે અંદાજોની મોસમ પણ આવશે. જોકે એ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા
પ્રથમ આગોતરો અંદાજ વ્યક્ત કર્યો છે. એમાં મગફળીના ઉત્પાદનનો આસમાની 58 લાખ ટનનો અંદાજ
વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે કપાસનો અંદાજ 88.32 લાખ ગાંસડી મૂકાયો છે. સરકાર સામાન્ય
રીતે ચાર અંદાજો વ્યક્ત કરતી હોય છે. પ્રાથમિક ધારણા વધુ પડતી હોવાનું મંતવ્ય ખેડૂતો
અને વેપારીઓએ આપ્યું હતુ.
સરકારી
અંદાજમાં મગફળીનું વાવેતર 19.17 લાખ હેક્ટર દર્શાવવામાં આવ્યું છે. એ પ્રમાણે પ્રતિ
હેક્ટર 3026.31 કિલોનો ઉતારો ગણીને 58.03 લાખ ટનનો પાક આવશે તેવું જણાવાયું છે. જોકે
વેપારી વર્ગ આ સાથે સહમત નથી. વેપારીઓના મત પ્રમાણે 40-45 લાખ ટન વચ્ચે પાક થવો જોઇએ.પાછલા
વર્ષમાં ફાઇનલ અંદાજ 45 લાખ ટનનો સરકારે મૂક્યો છે એ પણ વિશ્વાસપાત્ર નથી. મગફળીનું
વાવેતર વધારે થયું છે અને હવામાનનો સાથ રહેતા ઉત્પાદનમાં પણ ચોક્કસ વધારો થશે.
કપાસના
વાવેતરમાં ઘટાડો થયો છે. પાછલા વર્ષની તુલનાએ આશરે 3 લાખ હેક્ટરનો ઘટાડો થયા પછી વાવેતર
23.64 લાખ હેક્ટર થયું હતુ. એ ગણતરી પર 634.83 કિલો પ્રતિ હેક્ટરના ઉતારા સાથે 88.31
લાખ ગાંસડીના ઉત્પાદનની ધારણા રાખવામાં આવી છે. રૂનું ઉત્પાદન પાછલા વર્ષમાં 92.47
લાખ ગાંસડી સરકારે ધાર્યું હતુ.વાવેતરમાં 3 લાખ હેક્ટરના ઘટાડા પછી માત્ર 4 લાખ ગાસંડીનો
ઉત્પાદન ઘટાડો થાય તે ગળે ઉતરેતેવું નથી. વળી, વાવેતર પછી પાકમાં વરસાદને લીધે નુક્સાની
પણ વ્યાપક રહી છે. કપાસના પાક અંદાજમાં આ વર્ષે ભારે વિસંગતતા સર્જાવાની પૂરી સંભાવના
છે.
એરંડાના
વાવેતર પૂરાં થયાંને પંદર દિવસનો સમય થયો છે ત્યાં સરકારે 13 લાખ ટનનો પાક ગુજરાતમાં
આવવાની ધારણા વ્યક્ત કરી છે. જે પાછળા વર્ષના 15.95 લાખ ટન કરતા ઓછો રહેશે. વાવેતર
5.73 લાખ હેક્ટરમાં થયું છે અને તેની સામે 2270 કિલોનો ઉતારો હેક્ટરદીઠ મળશે એવી ધારણાએ
આગોતરો અંદાજ મૂકાયો છે. તલના પાકનો અંદાજ 25 હજાર ટન જેટલો મૂકવામાં આવ્યો છે. તલના
વાવેતરમાં ભારે ખાધ પડતા 49 હજાર હેક્ટરમાં થયું હતુ. તલમાં 514 કિલોનો ઉતારો મળવાની
ધારણા છે. સરકારે આગોતરા અંદાજમાં ડાંગર માટે 22.32 લાખ ટન, બાજરી માટે 2.97 લાખ ટન
અને મકાઇ માટે 5.81 લાખ ટનના પાકની ધારણા રાખી છે. કઠોળમાં તુવેરનું ઉત્પાદન 2.83 લાખ
ટન, અડદનું 52 હજાર ટન અને મગનું 31,930 ટનનું ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે.