• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

વડોદરા IOCL રિફાઇનરીની આગ ઉપર 12 કલાકે કાબૂ, અઢી લાખ લીટર ફોમનો મારો ચલાવાયો

            આગની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવાઈ

            બે કર્મચારીનાં મૃત્યુ અને ફાયર બ્રિગેડના એક જવાનને ઇજા : 40,000 લોકો પરથી ઘાત ટળી

વડોદરા, તા.12 : વડોદરાની ઈંઘઈક રિફાઇનરીમાં સોમવારે સાંજના સમયે લાગેલી આગની દુર્ઘટનામાં બે કર્મચારીનાં મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગ એટલી ભીષણ હતી કે કાબૂ મેળવતા 12 કલાક લાગી હતી. આગ કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા અઢી લાખ લીટરથી વધુ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ફાયર ઓફિસર અનિરુદ્ધાસિંહ ઝાલા તરફ એક મોટી ફ્લેમ આવી હતી અને તેઓ દાઝ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ ફરીથી આગ કાબૂમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા.

 આગ કાબૂમાં આવ્યા બાદ આજ સવારથી રિફાઇનરી રાબેતા મુજબ ચાલુ થઈ હતી. કર્મચારીઓ પણ પહોંચ્યા હતા પરંતુ થોડીવારમાં જ ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ આગની દુર્ઘટનામાં જે બે કર્મચારીનાં મૃત્યુ

નીપજ્યાં હતાં. તેમના પરિવારજનો રિફાઇનરીના ગેટ પર આવી પહોંચ્યા હતા અને આક્રંદ સાથે આક્રોશ ઠાલવ્યો હતો.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીના બેન્ઝિન સ્ટોરેજમાં ગઈકાલે બપોરે પ્રચંડ ધડાકા સાથે વિકરાળ આગ લાગી હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે કોયલી ગામ તેમજ નજીકના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારનાં મકાનોમાં કાચ તૂટયા હતા કે ધરતીકંપ જેવા કંપનો અનુભવાયા હતા ત્યારે બન્ને મૃતકના પરિવારજનોએ તેમજ ઈજાગ્રસ્ત પાંચ કર્મચારીના સગા સંબંધીઓએ પૂરતી આર્થિક સહાય મળે તેવી માગ કરી હતી. આગને બુજાવવા માટે રિફાઇનરી, નંદેસરી, રિલાયન્સ વગેરેના ફાયર બ્રિગેડના ટેન્કરો દ્વારા પ્રયાસ થયા હતા. બે કલાક બાદ વડોદરા કોર્પોરેશનના ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. 25થી વઘુ ફાયર એન્જિન કામે લાગ્યા હતા.  આ આગજનીના બનાવમાં તારાપુર ગામના ધીમંત મકવાણા અને કોયલી ગામનાં બે બાળકના પિતા શૈલેષ મકવાણાઓ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય પાંચ કર્મચારી ઘાયલ થયા હતા. વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો છે ત્યારે તંત્ર દ્વારા આગ ન લાગે તે માટે અને લાગી હોય ત્યારે ત્વરીત અસરકારક પગલાં લેવાય તે માટે ઠોસ આયોજન કરવું જોઈએ. તેવી માગ પ્રવર્તમાન છે. 

ઇન્ડિયન ઓઇલ દ્વારા આગની ઘટનાના કારણોની તલસ્પર્શી તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં રિફાઇનરીની કામગીરી યથાવત્ ચાલી રહી છે અને ઉત્પાદન અવરોધ વગર થઈ રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક