• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા કરનારો પોલીસ કોન્સ્ટે. જબ્બે

સરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા  આરોપીને પંજાબથી પકડી લેવાયો

અમદાવાદ, તા.13: અમદાવાદના બોપલમાં એમઆઈસીએના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની એક કાર ચાલક દ્વારા ગાડી ધીમે ચલાવવા બાબતે માથાકૂટ થયા બાદ છરીના ઘા ઝીંકી વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે ફરાર આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીની પંજાબથી ઝડપી પાડયો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે.

એમઆઈસીએના વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ બોપલ પોલીસ સ્ટેશનમાં મૃતક વિદ્યાર્થીના મિત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરીને ફરાર આરોપીને પંજાબથી ઝડપી પાડયો હતો. ક્રાઈમ બ્રાન્ચે વિરેન્દ્રસિંહ પઢિયાર નામના આરોપીની ધરપકડ કરી છે. વિરેન્દ્રસિંહ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પંજાબથી આરોપીને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. નેંધનીય છે કે, તા.10 નવેમ્બરના રોજ રાત્રીના સમયે એમઆઈસીએ કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વિરાજસિંહ બુલેટ લઈને રેન ફોરેસ્ટ ચાર  રસ્તા પાસે ઉભા હતા. એ સમયે ત્યાંથી એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બુલેટ નજીકથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરી હતી. જેથી કાર ચાલકે તેમના બુલેટનો પીછો કર્યો હતો અને ચાર રસ્તાથી થોડે આગળ બુલેટ રોકાવ્યું હતું.

બુલેટ રોકાવીને શું બોલ્યો તેમ કરીને બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ઝપાઝપી થતાં કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રિયાંશુને છરીના ઘા ઝીંકી દીધા હતા. થોડા સમય બાદ ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા અને તેના સગીર પુત્રએ પ્રિયાંશુની મદદ કરી હતી અને ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પ્રિયાંશુના મિત્ર દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક