• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

રોજગારી મેળવવા યુપીથી સુરત આવેલા 3 મિત્રના ટ્રેન અડફેટે મૃત્યુ

મૃતકો બે-ત્રણ દિવસ પહેલા જ ઉત્તરપ્રદેશથી આવ્યા હતા

સુરત, તા.13: સુરતના ભેસ્તાન-સચીન વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ઉત્તરપ્રદેશના બે મિત્રના કરુણ મૃત્યુ નીપજ્યા બાદ મૃતકના ત્રીજા મિત્રનો પણ મૃતદેહ ટ્રેકથી થોડે દૂરથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. એટલે કે આ અકસ્માતમાં ત્રણ યુવા મિત્રના મૃત્યુ થયા હતા. બનાવ અંગે રેલવે પોલીસને જાણ કરતા ત્રણેય મિત્રોના મૃતદેહ પીએમ અર્થે મોકલી રેલવે

પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના સચીન પાલીગામ ખાતે આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા અને ઉત્તરપ્રદેશથી બે-ત્રણ દિવસ પૂર્વે જ રોજગારીની શોધમાં આવેલા ત્રણ મિત્રો બડકુ શ્રીપાલ નિશાદ, દિનુ મિશ્રા નિશાદ અને પ્રદીપ નિશાદ ગત રાત્રે સચીન ભેસ્તાન રેલવે ટ્રેક ક્રોસ કરતા હતા. તે વેળાએ વડનગર એકસપ્રેસ વલસાડ ટ્રેન એકાએક આવી જતા ત્રણ પૈકી બે મિત્રના ટ્રેન અડફેટે મૃત્યુ નીપજ્યા હતા. રેલવે ટ્રેકની દુર્ઘટના સ્થળેથી આકાશ ઉર્ફે બડકુ તથા દિનુ નિશાદના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ત્રીજો યુવક પ્રદીપ નિશાદ ગુમ હતો. મૃતકોના પરિવારજનો તથા પોલીસ દ્વારા દુર્ઘટના સ્થળે શોધખોળ કરાતા ત્રીજો યુવક પ્રદીપ નિશાદનો મૃતદેહ થોડી દૂરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેથી રેલવે પોલીસે ત્રણેય મિત્રાના મૃતદેહો નવી સિવિલમાં પીએમ અર્થે ખસેડી ટ્રેન અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક