મ્યુનિસિપાલટીઝ અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય
અમદાવાદ, તા.25 : રાજ્ય વિધાનસભા
ગૃહમાં કાયદા વિભાગની અંદાજપત્રીય માગણીઓ ચર્ચા અને મંત્રીના જવાબ બાદ બહુમતિથી પસાર
કરવામાં આવી હતી. આ તબક્કે, કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં
ઉતરાખંડ બાદ સમાન સિવિલ કૉડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજુ રાજ્ય બનશે. ન્યાયિક
પ્રક્રિયાને વેગ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા મથક ખાતે
ત્રણ નવી આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ શરૂ કરવા માટે બજેટમાં જોગવાઇ કરી છે. રાજ્યમાં મ્યુનિસિપાલટીઝ
અને પંચાયતના કેસોને પણ આર્બીટ્રેશન ટ્રીબ્યુનલ ખાતે ચલાવવાનો નિર્ણય કરાયો છે.
મંત્રીએ કહ્યું હતું કે, ઇ-કોર્ટ
મિશન મોડ આ પ્રોજેક્ટ અંતર્ગત હાઈકોર્ટ અને તાબાની અદાલતો માટે ડિઝિટલાઇઝેશનની સુવિધાઓ
ઉભી કરવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં દરેક પ્રકારના કાયદાઓ માટે વિવિધ કોર્ટો કાર્યરત
કરી છે. હાઈકોર્ટના પરામર્શમાં મંજૂર કરીને વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ કાયદા હેઠળની
એટ્રોસીટી એક્ટ સહિતની કુલ 595 સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયરી
દ્વારા કુલ 18,41,016 કેસોનો નિકાલ કરાયો છે. ગુજરાત વિક્ટીમ કમ્પેન્સેશન સ્કીમ-2019
મુજબ એટ્રોસીટી, એસિડ એટેક અને પોક્સો એક્ટ જેવા ગુનામાં ભોગ બનનારને છેલ્લા ત્રણ વર્ષોમાં રૂ. 39 કરોડની ચુકવણી કરાઈ
છે.
ન્યાયની કાર્યવાહીમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
પૂરું પાડવા અલગ અલગ જિલ્લા તથા તાલુકા ખાતે નવીન 10 કોર્ટ બિલ્ડિંગ માટે રૂ. 73.70
કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા હાઇકોર્ટના પરામર્શમાં રાજયમાં અલગ
અલગ જિલ્લાઓમાં એટ્રોસીટી એક્ટ અંતર્ગત એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ 16 અને ડેસિગ્નેટેડ
સ્પેશિયલ કોર્ટ 59 એમ કુલ 75 કોર્ટોની સ્થાપના કરાઈ છે. છેલ્લા એક વર્ષની અંદર ડિસ્ટ્રિક્ટ
જ્યુડિશિયરી દ્વારા એટ્રોસીટી એક્ટ અંતર્ગત કુલ 1171 કેસોનો નિકાલ કરવામાં આવી છે.