જૂનાગઢ, તા.13: રજાની મજા માણવા લોકો પ્રકૃતિનો ખોળો પહેલા પસંદ હોય તેમ, ઝરમરીયો વરસાદ, પર્વતમાંથી વહેતા ઝરણા સોળેકળાયે ખીલેલી વનરાઇના આહલાદક વાતાવરણનો લહાણો લૂંટવા ગિરનાર તથા ઉપલા દાતાર ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા પર્વતો ઉપર મેળામય માહોલ સર્જાયો હતો.
સોરઠમાં છેલ્લા ત્રણ સપ્તાહથી
મેઘરાજાની મહેર યથાવત્ રહેતા શહેરીજનો અકળાયા હતા. તેમાં આજ સવારથી વરાપમય વાતાવરણ
જોઇ શહેરીજનો સવારથી ગિરનાર અને ઉપલા દાતાર ઉપર ઉમટયા હતા. રોપ-વેની ટિકિટ પરવડે તે
રોપ-વેમાં અને બાકીના સીડી ચડી ગિરનાર પર્વત ઉપર પહોંચ્યા હતા.
ગિરનાર અને ઉપલા દાતાર પર્વત
માળામાં ભારે વરસાદથી વનરાઇઓ સોળે કળાયે ખીલી છે, જાણે પર્વતે લીલીચાદર ઓઢી છે.
ચોતરફ હરિયાળી અને તેમાં પર્વતો
ઉપરથી વહેતા ઝરણા અને ઝરમરિયા વરસાદ વચ્ચે હજારો પ્રવાસીઓએ પ્રકૃતિના ખોળે અનોખો આનંદ
લૂંટયો હતો. આ અદ્ભુત નજારાના મનમોહક દૃશ્યો માણવા પ્રવાસીઓએ ભરપૂર આનંદ લૂંટયો હતો.
ઉપલા દાતારના પગથિયા ઓછા હોય તેમજ જગ્યામાં પ્રસાદની વ્યવસ્થા હોવાથી સૈંકડો પ્રવાસીઓ
ઉપલેટા દાતાર ઉમટતા, જગ્યાના મહંતએ આ ભાવિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી.
દાતાર ટેકરી ઉપર માનવ મેદનીથી ટેકરી ઉભરાઇ હતી.
જ્યારે ગિરનાર પર્વત ઉપર વાદળો
વચ્ચે પ્રવાસીઓએ અનોખો આનંદ લૂંટયો હતો. વાદળો ગિરનારને આલીંગના કરતા, ઝરમરિયા વરસાદ
વચ્ચે પ્રકૃતિનો આનંદ પ્રવાસીઓ માટે સંભારણું બન્યું હતું.ગિરનારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ
હોવાથી ચેક પોસ્ટ ઉપર પ્રવાસીઓને તપાસી પાણીની બોટલો, પ્લાસ્ટિક પેકિંગ નાસ્તો પ્રવાસીઓને
તરછોડવો પડયો હતો. પર્વત ઉપર પીવાના પાણીની અછત મેઘરાજાએ દૂર કરતા પ્રવાસીઓ માટે નજર
કરો ત્યાં ઝરણાના પાણી વહેતા હોવાથી પાણીની સમસ્યા નડી ન હતી.
રોપ-વે અને ગિરનાર સીડી ઉપર માનવ
સાંકળ રચાઇ હતી. અંબાજી મંદિરના પટાંગણ પ્રવાસીઓથી ઉભરાયું હતું. પર્વત ઉપર દુકાનોમાં
નાસ્તાના વ્યવસ્થા હોવાથી અને મોટા ભાગના ઘરનો નાસ્તો સાથે લઇ પહોંચ્યા હતા.