દુર્ઘટનાના દિવસથી વિક્રમસિંહનો પરિવાર નદી કિનારે આખો દિવસ બેસી રહી તેની વાટ જોઇ રહ્યો હતો
વડોદરા તા.14: મુજપુર-ગંભીરા
બ્રિજ દુર્ઘટનાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે હજી સુધી નરાસિંહપુરા ગામમાં રહેતા વિક્રમ
પઢીયારનો મૃતદેહ તંત્ર શોધી શક્યું નથી. છેલ્લા છ દિવસથી પરિવાર નદી કિનારે વાટ જોઇ
બેસી રહેતો હતો. આખરે પરિવારની આજે ધીરજ ખુટી ગઇ અને અંતે વિક્રમનું પૂતળું બનાવી મહિસાગર
કિનારે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
ગત તા. 9 જુલાઇની સવારે એકાએક
મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણ ટ્રક, ઇકો કાર, રિક્ષા અને બે જેટલી
બાઇક મહિસાગર નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 20 મૃતદેહો બહાર કાઢી પરિવારને
સોંપવામાં આવ્યાં હતા. જ્યારે નરાસિંહપુરા ગામમાં રહેતા 22 વર્ષીય વિક્રમાસિંહ પઢિયારનો
મૃતદેહ શોધવામાં તંત્ર અત્યાર સુધી નિષ્ફળ નીવડ્યું છે. દુર્ઘટનાના દિવસથી વિક્રમનો
પરિવાર નદી કિનારે આખો દિવસ બેસી રહી તેની વાટ જોઇ રહ્યો હતો.
પરિવારને આશા હતી કે, આજે નહીં
તો કાલે સવારે નહીં તો સાંજે તેમના વ્હાલસોયાનો મૃતદેહ મળી આવશે. પરંતુ તેવું બન્યું
નહીં અને આખરે છ દિવસથી ધીરજ રાખી બેઠેલા પરિવારે હાર માની લીધી હતી. દુર્ઘટનાને છ
દિવસ વિતી ગયા છતાં તંત્ર વિક્રમને શોધવામાં નિષ્ફળ જતા આખરે પરિવારે આજે તેનું પૂતળું
બનાવી નદી કિનારે અગ્નિદાહ કર્યો હતો. જોકે આ પરિવારને હજી પણ આશા છે કે તેમના વહાલસોયાનો
મૃતદેહ તેમને મળશે.