• મંગળવાર, 15 જુલાઈ, 2025

એકધારા વરસાદે ખરીફ મોસમને ફટકો માર્યો : વાવણી 8 ટકા ઘટી મગફળી સિવાયના કોઇ પાકમાં પ્રગતિ ન થઇ, કપાસમાં મોટું ગાબડું

રાજકોટ, તા. 14(ફૂલછાબ ન્યૂઝ) : તુ હી સંવારેં, તુ હી બિગાડે....વરસાદે ખરીફ મોસમના પાક માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિ સર્જ્યા પછી હવે એકધારા વરસવાને લીધે સ્થિતિ બગડી ગઇ છે.ગુજરાતમાં વાવેતરનો આંકડો બે ત્રણ અઠવાડિયા કૂદકેને ભૂસકે વધ્યા પછી હવે પાછો પડયો છે. આગલા વર્ષની તુલનાએ વાવણી 8 ટકા ઘટી જતાં આશ્ચર્ય સર્જાયું છે. ખરીફ પાકનું કુલ વાવેતર 50.27 લાખ હેક્ટર 14 જુલાઇ સુધીમાં પહોંચ્યું છે. આગલા વર્ષમાં આ સમયે 54.30 લાખ હેક્ટર હતું. વાવેતરમાં 8 ટકાનો ઘટાડો થયો છે.

વાવેતર ઘટવાનું કારણ આપતા ખેડૂતો કહે છેકે, સતત વરસાદને લીધે ખેતરમાં ખેતીકામ કરવા જવામાં પણ ભારે સમસ્યા થઇ રહી છે. એવામાં વાવેતર કે નિંદામણની કામગીરી કેવી રીતે કરવી ?

ગુજરાતમાં તેલિબિયાં પાકનું કુલ વાવેતર 20.78 લાખ હેક્ટરમાં થઇ ગયું છે. જે ગયા વર્ષમાં 20 લાખ હેક્ટર સુધી હતુ. મગફળીનું વાવેતર પાછલા સપ્તાહમાં ફક્ત 91 હજાર હેક્ટર જેટલું જ વધી શક્યું છે. જોકે બીજા પાકમાં ખાસ પ્રગતિ થઇ નથી. મગફળીનો વિસ્તાર 18.50 લાખ હેક્ટર રહ્યો છે. જે અગાઉના વર્ષમાં 17.22 લાખ હેક્ટર હતો. જોકે વિસ્તાર અત્યારે જે ગતિએ આગળ ધપી રહ્યો છે. એ જોતા વાવેતર અગાઉના 20-21 લાખ હેક્ટરના અનુમાન સુધી પહોંચશે કે કેમ તે સવાલ થઇ રહ્યો છે. મગફળીના વાવેતરનું કામકાજ સૌરાષ્ટ્રમાં મોટાંભાગે પૂર્ણ થઇ ચૂક્યું છે. જોકે ઉત્તર ગુજરાત અને જે વિસ્તારમાં વધારે વરસાદ થયા છે ત્યાં બાકી છે જે હવે થવાની શક્યતા ઓછી દેખાય છે. છતાં વિસ્તાર 20 લાખ હેક્ટર સુધી પહોંચશે એમ જાણકારો કહે છે. તલનો વિસ્તાર 15,954 હેક્ટર સામે18,725 હેક્ટરમાં પહોંચ્યો છે. એરંડાના વાવેતર 5,844 સામે 19,210 હેક્ટર સુધી ગયો છે. જોકે ખેડૂતો કહે છેકે, એરંડાના વાવેતર અગાઉ થયાં તેમાં વરસાદને લીધે ખાસ્સું ધોવાણ થયું છે. ધોવાણ પછી ત્યાં વિસ્તાર ઘટી ગયો છે. એ ધ્યાને લેવાયો નથી. સોયાબીનનું વાવેતર ગયા વર્ષમાં 2.55 લાખ હેક્ટર હતું એ અત્યારે 1.90 લાખ હેક્ટર થઇ ગયો છે. મગફળી સિવાય ક્યાંય ખાસ પ્રગતિ થઇ નથી. કપાસનું વવેતર 18.56 લાખ હેક્ટર સુધી સિમિત થઇ ગયું છે. ગયા વર્ષમાં 20.98 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. પાછલા વર્ષ કરતા 12 ટકા વાવેતર ઘટાડો થયો છે. ખેડૂતોના મતે કપાસના વાવેતર પછી પણ ઘણું ઘોવાણ થયું છે. અનેક ખેડૂતોએ કપાસ વાવ્યો નથી છતાં વિસ્તાર દેખાય છે એટલે આભાસી આંકડાઓ હોવાની શક્યતા છે.

કઠોળ પાકનું વાવેતર 22 ટકા ઘટી જતા 1.33 લાખ હેક્ટરમાં રહ્યું છે. તુવેરમાં મોટું ગાબડું પડતા 81,115 હેક્ટર રહ્યું છે. મગનું વાવેતર 25,286 હેક્ટર, મઠનું વધીને 2,199 હેક્ટર અને અડદનું 28 સામે 24 હજાર હેક્ટરમાં રહ્યું છે. અનાજ પાકમાં ડાંગરનું વાવેતર 1.85 લાખ હેક્ટર સામે 1.33 લાખ હેક્ટર રહ્યું છે. બાજરીનો વિસ્તાર 99 હજાર સામે 88 હજાર હેક્ટર રહ્યો છે. જુવારનું વાવેતર તળિયે જતા માત્ર 1700 હેક્ટર રહ્યું છે. મકાઇનું વાવેતર 2.26 લાખ હેક્ટર ગયા વર્ષમાં હતુ તે 1.59 લાખ હેક્ટર સુધી ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક