પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ)ના પ્રાથમિક તપાસમાં 60 કરોડની નાણાંકીય વિસંગતતા : અમિત ચાવડા
અમદાવાદ, તા.14: ગુજરાતમાં પહેલા નલ સે જલ, મનરેગા અને હવે ઋઈંઉઈમાં
100 કરોડ કરતા વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા
અમિત ચાવડાએ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ)ના પ્રાથમિક
તપાસમાં જ 60 કરોડની નાણાંકીય વિસંગતતા દર્શાવાઇ છે. જીઆઇડીસીના સમગ્ર કૌભાંડની તપાસ
સમિતિ બનાવી તપાસ કરાવવાની માગણી કરી છે.
તેમણે વધુમાં કહયું કે છેલ્લા
ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચુક્યો છે, નલ સે
જલ યોજનામાં કરોડોનું કૌભાંડ, મનરેગામાં કરોડોનું કૌભાંડ, જમીનના કરોડોના કૌભાંડ અને
લાખો નહિ પણ કરોડોથી ઓછું કૌભાંડ ગુજરાતમાં દેખાય નહિ તેવી રીતે ચાલી રહ્યું છે. જીઆઇડીસીમાં
પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે, ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે, ઔદ્યોગિક
વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવાની એક વ્યવસ્થિત પધ્ધતિથી જીઆઇડીસીમાં નેટવર્ક ચાલે
છે. જુન મહિનામાં ઓડીટ વિભાગ દ્વારા પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલના ઓડીટ રીપોર્ટની પ્રાથમિક
કોપી સબમિટ કરવામાં આવી છે. જીઆઇડીસીમાં જે ટેન્ડરો થાય છે એમાં જે રકમ નક્કી થાય,
કોન્ટ્રકટ અપાય અને ત્યારે પછી કરોડો રૂપિયાની રકમ એકસ્ટ્રા એકસેસ તરીકે ચુકવવામાં
આવે છે. ઓડીટ રીપોર્ટમાં ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે તે મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના
કામ કોઈપણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે. ઓડીટમાં એ પણ કહ્યું
છે કે માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે, કંપની દ્વારા
ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરાવવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું કે મને એક જાગૃત નાગરિક દ્વારા પુરાવા રૂપે ફરિયાદ મળી છે કે ચોક્કસ અધિકારીઓની એક સીન્ડીકેટ ચાલે છે જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. જીઆઇડીસીના ચીફ એન્જીનીયર રમેશ ભગોરાનો કાર્યકાળ ખુબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે, જેની ફરિયાદો અને વિગતો મળી છે તે મુજબ એમના કાર્યકાળ દરમ્યાન 150 કરોડ રૂપિયા જેટલી રકમના એકસ્ટ્રા એકસેસના બીલો ચુકવવામાં આવ્યા છે. આવા કૌભાંડોની તપાસ થવી જોઈએ. જે જવાબદારો હોય એમને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે, ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી. તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી. એ.સી.બી.ની તપાસ થવી જોઈએ.