પાલનપુર હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો
અમદાવાદ, તા.13 : રાજ્યમાં છેલ્લા
3-4 દિવસથી છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી ભારે
વરસાદની આગાહી કરી છે ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસ્યો
હતો. લાંબા સમય બાદ બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
છે. ભારે વરસાદના પગલે ડીસા શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. મોડી રાત્રેથી શરૂ
થયેલા ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ
વરસાદ દાંતીવાડા તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ધોધમાર વરસાદને પગલે દાંતીવાડમાં
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડીસા શહેરના વણઝારાવાસ વિસ્તારમાં ભારે
વરસાદના પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. નીચાણ વાળા વિસ્તારના લોકો રાત્રેથી
જ પોતાના ઘરમાંથી વરસાદી પાણી કાઢવા મજબૂર બન્યા છે.
પાલનપુર હાઈવે પર ઘૂંટણ સમા પાણી
ભરાયા વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ કરવામાં આવી
હતી. હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ બે દિવસ
ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ
વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 14થી 17ના વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદની આગાહી છે.
નવસારી, વલસાડ, સુરત, તાપી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પંચમહાલ,
છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 14થી 15 જુલાઈના રોજ
ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો અને ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.