• મંગળવાર, 15 જુલાઈ, 2025

રાજ્યમાં ભારે વાહનો માટે 81, તમામ વાહનો માટે 16 પુલ બંધ

અમદાવાદ, તા. 14: રાજ્યમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને સત્વરે રિપેરિંગ કરીને પૂર્વવત કરવા આદેશ આપ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર શક્ય જોખમોને ટાળવા માટે મેજર અને માઈનોર કેટેગરીના ભારે વાહનો માટેના 81 અને તમામ વાહનો માટેના 16 મળીને કુલ 97 પુલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવ)ના 12, રાજ્ય ધોરીમાર્ગ (સ્ટોટ હાઈવે)ના 62 પુલ, પંચાયતના 23નો સમાવેશ થાય છે. જરૂરી પુલો પર વાહન વ્યવહારને ડાઈવર્ટ કરવા માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરાઈ છે.

------

ગુજરાતમાં શહેરી વિસ્તારોના 364 પૈકી 39 બ્રિજ જર્જરિત

અમદાવાદ, તા.14 : રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને બ્રિજને ભારે નુકસાન થયું છે. જે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામા બ્રીજ-પુલોનું સ્થળ નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ સુપરત કરવાનો આદેશ કરાયા બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સરકાર સમક્ષ જે રિપોર્ટ મૂકાયો છે. જેમાં દાવો કરાયો છે કે, રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં આવેલા કુલ 364 બ્રિજ પૈકી 231 બ્રિજ ખુબ સારી સ્થિતિમાં, 89 બ્રિજ સારી સ્થિતિમાં 39 બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે.ગાંધીધામ મ્યુનિસિપલ  કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનાં એક પણ બ્રિજ જર્જરિત હાલતમાં નથી. એવી જ રીતે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ બ્રિજ આવેલા નથી. જ્યારે, વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1 બ્રિજ આવેલો છે, જે ખુબ સારી સ્થિતિમાં છે. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 4 બ્રિજ આવેલા છે, જે પૈકી બધા બ્રિજ સારી સ્થિતિમાં છે.

નવાગામ-આણંદપરના રાજાશાહી બ્રિજ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી

વડોદરામાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટ જિલ્લાનું તંત્ર સક્રિય થયું છે. જિલ્લાના તમામ બ્રિજોની તાત્કાલિક ચકાસણી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જેટલા બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. આ પૈકી, નવાગામ-આણંદપર ખાતે આવેલા રાજાશાહી વખતના બ્રિજ પર તાત્કાલિક અસરથી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  કલેક્ટરે આ બ્રિજના તાત્કાલિક સમારકામ માટેના આદેશો પણ આપ્યા છે.

પોરબંદરના લકડીબંદર બ્રિજ પરથી ભારે, મધ્યમ વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

પોરબંદર: જ્યાં સુધી ચૂના ભઠ્ઠી વિસ્તારથી ઓલ વેધર પોર્ટને જોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલા ડેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ન થાય ત્યાં સુધી ભારે અને મધ્યમ વાહન માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક માર્ગ તરીકે ઝાવર વિસ્તાર સુભાષનગર વિસ્તાર અને બોખીરા વિસ્તાર તરફથી ડેક બ્રીજ પરથી પોરબંદર સિટી વિસ્તારમાં આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ તરીકે ઝાવર વિસ્તાર, સુભાષનગર વિસ્તારથી સતીઆઇ મંદિર, બોખીરા ચાર રસ્તા, જ્યુબેલી બ્રિજ પર થઇ દરાણીયું ઉતરી નવા કુંભારવાડા મેઇન રોડ યુના ભઠ્ઠા ત્રણ રસ્તા થઇ લકડી બંદર તરફ તેમજ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે, તે જ રીતે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

ધોરાજી-જામકંડોરણા રોડ પર ભાદર નદીનો બ્રિજ અતિ જોખમી, જિલ્લાના 26 બ્રિજ નબળા

રાજ્યભરમાં માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રસ્તા તેમજ પુલોનું નિરીક્ષણ તેમજ જરૂરી મરામત કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં પણ પુલોની ચકાસણીની કામગીરી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લામાં આવેલા કુલ 495 બ્રિજમાંથી 377 સારી અને 91 યોગ્ય સ્થિતિમાં જણાયા છે. જ્યારે 26 બ્રિજ નબળા અને 1 ક્રિટિકલ સ્થિતિમાં હોવાનું જણાયું છે. આ 27 સહિત અન્ય મળી કુલ 59 બ્રીજનું જિલ્લા કલેકટર, નાયબ કલેકટરો, કાર્યપાલક ઇજનેરો અને એજન્સીઓ દ્વારા વિશેષ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને ચકાસણી બાદ નેશનલ હાઇવે પર આવેલા ધોરાજી-જામકંડોરણા રોડ પર ભાદર નદી પરનો બ્રિજ ભારે તથા ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ બ્રિજ પર ટુ-વ્હીલર, થ્રી તેમજ ફોર વ્હીલર પ્રકારનો વાહન વ્યવહાર યથાવત રહેશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક