• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

જન્માષ્ટમીમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા

અમદાવાદ, તા.10:

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે હવે વરસાદનો એક નવો રાઉન્ડ આવી રહયોની આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે તહેવારો પણ નજીક આવી રદ્દા છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારો પર જ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ બાદ આજથી વરસાદના નવા રાઉન્ટની શરૂઆત થઈ ચૂકી છે. આજે સવારથી વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, અમરેલી, જૂનાગઢ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 39 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ વલસાડમાં નોંધાયો છે. 

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઇ ચૂકી છે. 12મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે. તો,17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના પગલે મધ્ય પ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ જ સિસ્ટમ 26મીથી 30મી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે. તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગની આવતીકાલની આાગાહી પર નજર કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને 12 થી 14 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

જામનગર એક, જૂનાગઢ અને વંથલીમાં અડધો ઈંચ

રાજકોટ તા.10: સૌરાષ્ટ્રમાં મેઘરાજાના રૂષણા વચ્ચે આજે સવારે જામનગરમાં એક, જૂનાગઢ અને વંથલીમાં અડધો ઈંચ પાણી પડતા માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા.

જામનગર: ઘણા દિવસ પછી આજે સવારથી વરસાદી વાતાવરણ રહયું હતું. સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં 30 મીમી વરસાદ પડયો હતો. જ્યારે જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ધ્રોલ અને જોડીયામાં પણ ઝાપટા વરસ્યા હતા.

જૂનાગઢ: શહેર જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી મેઘરાજા અદૃશ્ય થતા, મોલાતો મુરઝાવા લાગી છે. કિસાનોએ પિયત આપવાનું શરૂ કર્યું છે. જ્યાં સિંચાઈની સુવિધા નથી ત્યાં કિસાનો આકાશ તરફ મીટ માંડી બેઠા છે. કોઈક સ્થળે મેઘરાજાને મનાવવા રામધુન શરૂ થઈ છે. આ સ્થિતિમાં આજે સવારે એકાએક જૂનાગઢ અને વંથલીમાં મેઘરાજાની મહેર ઉતરતા અડધા કલાકમાં અડધો ઈંચ પાણી પડતા રસ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા હતા. આ વરસાદ જિલ્લામાં અન્ય સ્થળે ન હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક