• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 1 ફેબ્રુઆરીએ

4 કેટેગરીમાં દેશના 12 રાજ્યમાંથી 541 સ્પર્ધક ભાગ લેશે 

(ફૂલછાબ ન્યુઝ)

જૂનાગઢ, તા.19: 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ યોજાશે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં દેશના જુદા જુદા રાજ્યોના કુલ 4 કેટેગરીમાં 541 સ્પર્ધકો ભાગ લેશે.

આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓ 196, જુનિયર ભાઈઓ 134, સિનિયર બહેનો 120 અને જુનિયર બહેનો 91 એમ એકંદરે કુલ 541 સ્પર્ધક ગિરનારને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોડ લગાવશે. ગુજરાત રાજ્યના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભારત ભરના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા તા.1 ફેબ્રુઆરીના રોજ સિનિયર - જુનિયર ભાઈઓ માટે ભવનાથ તળેટીથી અંબાજી મંદિર 5500 પગથીયાં સુધી અને સિનિયર - જુનિયર બહેનો માટે ભવનાથ તળેટીથી માળી પરબ સુધી 2200 પગથિયા સુધી યોજાશે. જેમાં ભારતના જુદા-જુદા 12 રાજયોમાંથી 541 અરજી ફોર્મ પસંદગી પામ્યા છે.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 5 જુદા-જુદા સ્થળ જેવા કે ઓસમ, ચોટીલા, ઇડર, પાવગઢ અને પારનેરા પર્વત ખાતે યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 10 વિજેતા અને રાજયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પ્રથમ 25 વિજેતા આ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધાની તૈયારીના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ 8 સમિતિની રચના પણ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક