• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

સોરઠમાં કેસરનો પાક ઘટશે, કોડિનાર પંથકમાં વધશે

જૂનાગઢ, વિસાવદર, વંથલી પંથકમાં આંબામોર ઘટયો

(ફૂલછાબ ન્યૂઝ)

જૂનાગઢ, તા.19 : કોડીનાર પંથકના સોરઠની શાન કેસર કેરીના પાકમાં આ વર્ષે જૂનાગઢ, વિસાવદર, વંથલી પંથકમાં ફ્લાવરિંગ ઓછુ આવતા આ વિસ્તારમાં ઉત્પાદન ઘટશે. જ્યારે કોડીનાર પંથકના આંબાવાડીઓમાં ભરપૂર મોર આવતા આ વિસ્તારમાં ઉત્પાદન ઉંચુ રહે તેમ જાણવા મળે છે.

આ અંગે કોડીનાર પંથકના બાગાયત કાર દેવશીભાઈ ખુંટીએ જણાવ્યુ કે આ વર્ષે માવઠા અને મિશ્ર હવામાન તેમજ માવજત ના પરિણામે જૂનાગઢ વિસાવદર અને વંથલી પંથકમાં ફ્લાવરિંગ મોડુ પડયું છે અમુક આંબાઓમાં હવે ફલાવરિંગ દેખાઈ રહ્યંy છે. આ પાછળ માવજત મુખ્ય કારણ છે.

સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં આંબાવાડીઓમાં ફલાવરિંગ ફૂટે છે અને આંબાના ઝાડ મોરથી શોભાયમાન બને છે પરંતુ છેલ્લા થોડા દિવસથી ઠારનું પ્રમાણ વધતા મોર બળવા લાગ્યો છે. પરિણામે આ વિસ્તારમાં ઉત્પાદનમાં ખાસ્સો ઘટાડો આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

જ્યારે કોડીનાર પંથકના આંબાવાડીઓમાં સારી માવજત અને યોગ્ય હવામાનને કારણે પુષ્કળ પ્રમાણમાં ફલાવરિંગ દેખાઈ રહ્યું છે તે જોતા આ પંથકમાં ઉત્પાદનને કોઈ મોટી અસર નહીં પડે તેમ મનાય છે પરંતુ વાતાવરણ કેટલો સાથ આપે તેના ઉપર ઉત્પાદન નિર્ભર બનશે જે બાગાયતકારોએ માવજત સારી કરી છે તેઓ પુરું ઉત્પાદન મેળવી શકશે.

કેસર કેરીનો પાક વર્ષમાં એક વખત લેવાતો હોય અને તેમાં ઉત્પાદન ઘટતા ખેડૂતો યોગ્ય વળતરના અભાવે આંબાવાડિયાઓથી નારાજગી અનુભવી રહ્યા છે. થોડા વર્ષ પહેલા તાલાળા પંથકમાં કિસાનોએ આંબાના વૃક્ષો દૂર કરવાનું શરૂ કર્યુ હતું. આ પાછળ માવજતનો અભાવ અને બિનજરૂરી ઝેરી દવાના છંટકાવને કારણે ઉત્પાદન ઘટતુ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક