• મંગળવાર, 31 માર્ચ, 2026

સાવરકુંડલાના મીતીયાળા ગામમાં ફરી ભૂકંપના આંચકા : ગ્રામજનો ભયભીત સિસ્મોલોજી વિભાગની ટીમ તાત્કાલિક ગામની મુલાકાત લે તેવી ગ્રામજનોની માગ

(ફૂલછાબ ન્યૂઝ)

સાવરકુંડલા, અમરેલી, તા. 30 : સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામમાં છેલ્લા બે દિવસથી સતત હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ ગામ સાવરકુંડલાથી આશરે 27 કિલોમીટર દૂર આવેલું છે, જે ડુંગરાળ વિસ્તાર વચ્ચે વસેલું છે. ગઈકાલે ગામમાં ત્રણ નાના અને ત્રણ મોટા એમ કુલ છ ઝટકા અનુભવાયા હતા, જ્યારે આજે બપોરે 1:00 વાગ્યે એક અને ત્યાર બાદ 15 મિનિટ પછી બીજો ઝટકો આવ્યો હતો.

 ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે. આજે નોંધાયેલો આંચકો 2.6 ની તીવ્રતાનો હોવાનું જાણવા મળ્યું છે. મીતીયાળા ઉપરાંત ભાડ, વાંકિયા સહિત આસપાસના ગામોમાં પણ આંચકાનો અનુભવ થયો હતો, જેના કારણે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા.

 ભૂકંપના આંચકાથી ગ્રામજનોમાં ભય અને અસુરક્ષાનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ગામ વારંવાર ભૂકંપના આંચકા સહન કરી રહ્યું છે. ગામના લોકો કહે છે કે ઉનાળાની શરૂઆત સાથે જ આ આંચકાઓ શરૂ થયા છે. કેટલાક મકાનોમાં ઝીણી-ઝીણી તિરાડો પડવા લાગી છે, સ્લેપના પોપડા નીકળી રહ્યા છે અને ઝટકા આવતાં જ લોકો ઘરની બહાર દોડી જાય છે. આ સ્થિતિમાં ગામવાસીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

 ગ્રામજનોની માંગ છે કે સિસ્મોલોજી વિભાગની ટીમ તાત્કાલિક ગામની મુલાકાત લે, વાસ્તવિકતાનો અભ્યાસ કરે અને યોગ્ય માર્ગદર્શન આપે. વહીવટી તંત્ર અને સિસ્મોલોજી વિભાગને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા ગ્રામજનો અપીલ કરી રહ્યા છે.

બીજી તરફ પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

‘મોટા ઝટકાની શક્યતા નથી’ ગત વર્ષે અપાયું હતું આશ્વાસન

ગત વર્ષે સિસ્મોલોજી વિભાગની ટીમ ગામે આવીને લોકોને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે મોટા ઝટકાની શક્યતા નથી તેમ છતાં હવે ફરી ડરનો માહોલ શરૂ થયો છે. ગામની સ્કૂલમાં પણ અભ્યાસ અસરગ્રસ્ત થયો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક