મોરબી, તા.11: મોરબીમાં રહેતા યુવાને 15-20 દિવસ પહેલા જેની સાથે માથાકૂટ થઈ હતી તે બાબતનો ખાર રાખીને સામે વાળી વ્યક્તિએ ફોન કરીને પહેલા ગાળો આપી હતી ત્યાર બાદ મોરબી માળિયા હાઇવે રોડ પર આવેલા સિરામિક કારખાના નજીક હોટલ પાસે યુવાનને બોલાવવામાં આવતા તે યુવાન તેના મિત્રો અને ભાઈ સહિતના લોકો સાથે ત્યાં ગયો હતો ત્યારે સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ ગાડીમાં 5 શખસ ત્યાં આવ્યા હતા.અને યુવાન તેમજ તેની સાથે રહેલા લોકો કશું જ સમજે તે પહેલા કારમાંથી ઉતરતાની સાથે જ ફિલ્મી સ્ટંટની જેમ રાઉન્ડ ફાયારિંગ કરવામાં આવ્યા હતા
મોરબીના વીસીપરા વિસ્તારમાં કુલીનગર-1 માં રહેતા
શાહરુખભાઈ ફિરોજભાઈ પઠાણ (32) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાજીદ સાઉદીનભાઈ જેડા, નૂરમામદ જેડા, સમીર જેડા, બચલો
જેડા અને સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યો માણસ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી
છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને આરોપી સાજીદ જેડા સાથે 15-20 દિવસ અગાઉ માથાકૂટ
થઇ હતી અને તે બાબતનું મન દુ:ખ રાખીને આરોપીઓએ ભેગા મળીને કાવતરું કર્યું હતું અને
ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે સ્કોર્પિયો, સ્વીફ્ટ અને કિયા કારમાં આવ્યા
હતા અને આરોપી સાજીદ જેડાએ એક રાઉન્ડ ફાયારિંગ કર્યું હતું તથા નૂરમામદ જેડાએ બે રાઉન્ડ
ફાયારિંગ કર્યા હતા જે બનાવમાં ફરિયાદી સહિત કુલ 3 લોકોને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર
માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ
નોંધાવેલ છે. આરોપીઓ સ્કોર્પિયો, કિયા અને સ્વિફ્ટ ગાડી લઈને માળિયા તરફ ભાગી ગયા હતા.
પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.