• બુધવાર, 13 મે, 2026

RCB અને KKR મેચ પ્લેઓફની દિશા નક્કી કરશે

વધુ એક જીતથી RCB પ્લેઓફમાં પહોંચશે, હારથી KKR લગભગ બહાર થશે

રાયપુર, તા.12 : પ્લેઓફની રાહ હવે મુશ્કેલ બની રહી છે, દબાણ વધી રહ્યું છે અને રાયપુરની ભીષણ ગરમીમાં બે એવી ટીમની ટક્કર થશે જેમની આઇપીએલ-2026 સીઝનની યાત્રા બિલકુલ અલગ રહી છે. બુધવારના મેચમાં આરસીબી અને કેકેઆરનું ભવિષ્ય ઘડાશે. જો વર્તમાન વિજેતા આરસીબીનો વિજય થશે તો તે પ્લેઓફ રાઉન્ડ માટે નિશ્ચિત થઈ જશે. હારથી કેકેઆર માટે પ્લેઓફ રાઉન્ડના દરવાજા લગભગ બંધ થઈ જશે.

આરસીબી ટીમ નિયત્રણ છે અને 11 મેચમાં 7 જીતથી આગળ વધી રહી છે. તે પ્લેઓફની કગાર પર છે. તેની સામે એ ટીમ છે જેણે સમયસર ખોવાયેલો આત્મવિશ્વાસ હાંસલ કરી લીધો છે. ટૂર્નામેન્ટની બહાર થવાની કગારમાંથી બહાર આવીને કેકેઆર પ્લેઓફ રેસમાં સામેલ થઇ છે. તેણે પોતાના પાછલા ચાર મેચમાં જીત હાંસલ કરી અન્ય ટીમ માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.

આરસીબી માટે અહીંનું શહીદ વીર નારાયણ સ્ટેડિયમ બીજું હોમ ગ્રાઉન્ડ છે. અહીં તેનો પાછલા મેચમાં પરંપરાગત હરીફ મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ અંતિમ દડે 2 વિકેટે દિલધડક વિજય થયો છે. સ્વિંગ સુલતાન ભુવનેશ્વર કુમાર ટીમનો એકસ ફેક્ટર બન્યો છે. તે ટીમ ઇન્ડિયામાં વાપસીની પણ નજીક છે. કિંગ કોહલી બે ગોલ્ડન ડક બાદ મોટી ઇનિંગના મૂડમાં હશે. આરસીબીનું મીડલ ઓર્ડર તેના બેટિંગને મજબૂતી આપે છે. પડીક્કલ, કપ્તાન પાટીદાર, ડેવિડ અને કુણાલ ટીમને વિજય અપાવી રહ્યા છે જ્યારે ભુવનેશ્વર અને હેઝલવૂડની જોડી પાવર પ્લેમાં સતત વિકેટ ઝડપી રહી છે.

કેકેઆર ટીમને સીઝનની શરૂઆતથી બોલરોની ઇજા સતાવી રહી છે. જે હજુ પણ યથાવત્ છે. આમ છતાં ટીમે વિજયક્રમ પર વાપસી કરી લીધી છે. પાછલા મેચમાં ન્યુઝિલેન્ડના વિસ્ફોટક બેટધર ફિન એલનની સદીથી કોલકતાનો દિલ્હી સામે 8 વિકેટે આક્રમક વિજય થયો હતો. રિંકુ સિંહે ફરી ફિનિશિંગ ટચ હાંસલ કરી લીધો છે. આરસીબી સામે જીત સાથે પ્લેઓફ આશા જીવંત રાખવા માટે કેકેઆર કપ્તાન રહાણે સહિતના ખેલાડીઓએ સંઘભાવનાથી દેખાવ કરવો પડશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક