• બુધવાર, 13 મે, 2026

સુરત: હત્યા કરનાર ગુનેગારે છરી વડે હુમલો કરતા પોલીસે ફાયારિંગ કર્યું

બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે કિશોરની છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી’તી

સુરત,તા.11: સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં એક 17 વર્ષીય કિશોરની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. બાઈક અથડાવા જેવી સામાન્ય ઘટનામાં ઉશ્કેરાયેલા હુમલાખોરે કિશોરની છાતીમાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ લોહિયાળ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.

આ હત્યાના બનાવ બાદ ફરાર થયેલા આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસની ટીમો કાર્યરત હતી. વહેલી સવારે જ્યારે પોલીસ તેને પકડવા મીઠી ખાડી વિસ્તારમાં પહોંચી, ત્યારે આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વબચાવમાં પી.આઈ. ડી.ડી. ચૌહાણે ફાયારિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ઝડપાઈ ગયો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી રાહુલ જોગી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ મારામારી સહિતના 17 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી બંનેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. પોલીસે આ મામલે હત્યા અને પોલીસ પર હુમલાનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક