18 થી 23 મે દરમિયાન પ્રિ-મોન્સુન એક્ટિવીટી શરૂ થઈ શકે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 11: હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં
કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં
પારો 41થી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ સાથે આગામી 2 દિવસ માટે કચ્છ અને
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ અપાયું છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર
એ. કે. દાસે જણાવ્યું કે, 11મીથી 17મી મે દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે. કેટલાક
વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે
ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. 11થી 14 મે એમ ચાર દિવસ માટે
હીટવેવની ચેતવણી છે.
સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે
દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ ગુજરાત રિજિયનમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર,
આણંદ, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના
વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર
દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. આજે સાંજે 5.30 કલાકે રાજ્યના વિવિધ શહેરોમાં
મહત્તમ તાપમાન પર નજર નાખતા જણાય છે કે અમદાવાદમાં 44.3, રાજકોટમાં 43.3, વડોદરામાં
43.6, સુરતમાં 42.2, ડીસામાં 43.5, ભુજમાં 42 ડિગ્રી રહ્યું હતું.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ તાપમાન 44 ડિગ્રી
સુધી પહોંચવાની શક્યતા છે. અમુક સ્થળોએ પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠે
ઉકળાટમાં વધારો થશે. 15 મે બાદ ગરમીમાં ઘટાડાની સંભાવના છે. 18 થી 23 મે દરમિયાન પ્રી-મોન્સૂન
એક્ટિવીટી શરૂ થઈ શકે. અંબાલાલ પટેલે પ્રિ-મોન્સુન વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.