• શુક્રવાર, 22 મે, 2026

રાજકોટમાં ડ્રાયફ્રૂટનાં ગોડાઉનમાંથી 2 હજાર કિલો સડેલી બદામ મળી આઇસક્રીમ-ગોલા, મીઠાઈમાં ગ્રાહકોને પધરાવી દેવાનો ખેલ

આરોગ્ય વિભાગના દરોડામાં બે ટન અખાદ્ય બદામ નીકળતા સ્થળ પર જ નાશ કરાયો

રાજકોટ, તા.21 : સુકા મેવામાં બદામના ભારે મોલ હોય છે. સારી વાનગી-વ્યંજનોમાં બદામનો વપરાશ થયો હોય તો તે વાનગીની કિંમત વધી જતી હોય છે ત્યારે નફાખોરીની લાલચમાં ગ્રાહકોને સડેલી બદામ ખવડાવી દેવાનો ખેલ ઊંધો પડાયો છે. રાજકોટ શહેરમાં ડ્રાયફ્રૂટના ગોડાઉનમાંથી બે હજાર કિલો જેટલી સડેલી બદામ મળી આવી હતી. જેનો ઉપયોગ ગોલા-આઇસક્રીમ, મીઠાઈમાં થતો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચાકિંગ દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, ખાતે ઉત્પાદક પેઢી ‘હીર એન્ટરપ્રાઇઝ’ની તપાસ કરતા પેઢીમાં સંગ્રહ કરેલી બદામ (ડ્રાયફ્રૂટ)નો અંદાજિત 2,000 કી.ગ્રા જથ્થો સડેલો તથા જીવાત વાળો મળી આવ્યો હતો. પેઢીમાં બદામની કતરણ પ્રોસાસિંગ કરી મીઠાઇ, આઈસક્રીમ તથા ગોલા જેવી ખાદ્યચીજોનો વિતરણ કરતાં વેપારીઓને વેચાણ કરતાં હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.

આ પેઢીના ભાગીદાર પ્રદીપભાઇ દૂધાત્રાને સ્થળ પર પૂછપરછ કરતાં તેઓ ફૂડ લાઇસન્સ કે જીએસટી સર્ટિફિકેટ પણ ધરાવતા ન હોવાનું ખૂલ્યું હતું. જે અંગે પેઢીને યોગ્ય સ્ટોરેજ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તેમજ વેચાણ માટે રાખેલા જથ્થામાંથી ફૂડ સેફ્ટી  સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બદામ (લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. બાદમાં આ બદામનો જથ્થો માનવ વપરાશ માટે યોગ્ય ન હોવાનું જણાતા આશરે 2,000 કી.ગ્રા બદામનો જથ્થો સ્થળ પર જ શાખાનાં વાહનમાં નાશ કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠામાંથી 2,548 કિ.ગ્રા. ભેળસેળયુક્ત માવો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા. 21:  રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોલેનાથ ડેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત, કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ થતું હતું. તંત્રએ ખુલ્લા માવા તથા બરફીના નમૂના લીધા છે, જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે ડેરીમાંથી અંદાજે રૂ. 5.10 લાખની કિંમતનો 2,548 કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત (સીઝ) કરવામાં આવ્યો છે. ડેરીમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાં બનાવેલો અન્ય 550 કિલોગ્રામ માવો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી, તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક