અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે
રાજકોટ
43.5 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર
રાજકોટ
તા.21:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી
છે. આગામી 15 જૂનથી રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થવાની શક્યતા છે. એ પહેલા આવતીકાલથી
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં પરિવર્તન જોવા મળી શકે છે. હવામાન વિભાગ
દ્વારા આગામી બે દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદી
માહોલ જોવા મળી શકે છે.
હવામાન
વિભાગ અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં
મળે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેની આસપાસ નોંધાઇ શકે
છે. આવતીકાલે તા.22ના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા
સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તા.23 મે 2026ના રોજ અમરેલી,
ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ
સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15 જૂનથી વિધિવત્ રીતે ચોમાસું
બેસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિભાગના એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ
અનુસાર 21 મેથી 28 મે સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે, જે બાદ 28 મેથી 4 જૂન દરમિયાન
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ
સાથે ચોમાસાના આગમનનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 જૂનથી 11 જૂન દરમિયાન
મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે. અંતે 11થી 18 જૂન
દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે અને કેટલાક વિસ્તારોમાં
ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
હવામાન
ખાતાના આંકડા અનુસાર આજે રાજકોટમાં 43.5, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જ્યારે અન્ય શહેરોમાં જોઇએ બરોડામાં 40.4, સુરતમાં 35.9, સુરેન્દ્રનગરમાં 42, ભુજમાં
40.6, ડીસામાં 41.1, કંડલા અને જુનાગઢમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.