જામનગર, તા.21 : જામનગર પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે કુખ્યાત ‘સાયચા ગેંગ’ સામે લાલ આંખ કરી છે. મર્ડર, બળાત્કાર, લૂંટ અને સરકારી જમીનો પચાવી પાડવા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ ગેંગના 11 સભ્યો વિરુદ્ધ ‘ગુજસીટોક’ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે હાથ ધરાયેલા ઓપરેશનમાં ગેંગના 7 સાગ્રીતોની ધરપકડ કરી લેવામાં આવતા ગુનાખોરીની દુનિયામાં ફફડાટ મચી ગયો છે.
આ ગેંગનો
સૌથી ક્રૂર ચહેરો બે વર્ષ પહેલાં સામે આવ્યો હતો, જ્યારે તેઓએ સુન્ની મુસ્લિમ વાઘેર
સમાજના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી વકીલ હારૂનભાઇ પલેજાની સરાજાહેર ઘાતકી હત્યા કરી
હતી. વકીલ હારૂનભાઈ આ ગેંગના કાળા કરતૂતો ખુલ્લા પાડવામાં અને ગરીબ પીડિતોને ન્યાય
અપાવવામાં સક્રિય હતા, જે સાયચા ગેંગને ખૂંચતું હતું. આ ઉપરાંત, તંત્ર દ્વારા ગેંગના
ગેરકાયદે બંગલાઓ પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા તેનો ખાર રાખીને આ હત્યાકાંડને અંજામ
અપાયો હતો.
જામનગરના
ઇતિહાસમાં છેલ્લા 45 દિવસમાં આ ત્રીજો ગુજસીટોકનો ગુનો છે, જે પોલીસની કડક કાર્યવાહી
સૂચવે છે. એજાઝ સાઇચા, અસગર સાઇચા સહિતના 11 શખસ સામે નોંધાયેલા આ ગુના બાદ હવે ભૂમાફિયાઓ
અને અસામાજિક તત્ત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની
પૂછપરછ હાથ ધરી ગેંગના અન્ય નેટવર્કને પણ તોડવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે.