થાનગઢ,
ચોટીલા, જોરાવરનગર, ચુડા, ધજાળા, આણંદપુર અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં એકસાથે પોલીસના
દરોડાથી ગુનેગારોમાં ફફડાટ
સુરેન્દ્રનગર,
તા.22: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારોના વધતા જતાં કારોબાર સામે પોલીસે લાલ
આંખ કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 24 કલાક દરમિયાન હાથ ધરેલા વિશેષ ઓપરેશનમાં
અલગ-અલગ વિસ્તારોમાંથી ગેરકાયદે હથિયારો, જીવતા કારતૂસ અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત
કર્યો છે. થાનગઢ, ચોટીલા, જોરાવરનગર, ચુડા, ધજાળા, આણંદપુર અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં
એકસાથે પાડેલા દરોડાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ સમગ્ર
ઓપરેશનની શરૂઆત ચોટીલા-સાળંગપુર રોડ પરથી ફોર્ચ્યુનર કાર સાથે નૃપેન્દ્ર પટગીર નામના
શખ્સની ધરપકડથી થઈ હતી, જેની પાસેથી પિસ્તોલ મળી આવતા અન્ય કડીઓ ખૂલી હતી. પોલીસે અલગ-અલગ સ્થળેથી રાહુલ
પરમાર, મેહુલ પરમાર, કાળું પરમાર, નવઘણ જોગરાણા, પ્રવીણ ભાભળા, હરેશ ઘાટલીયા, હર્ષ
પટેલ, સમંદર ડાભી, વિનુભાઈ ચૌહાણ અને કાદર સિપાઈ નામના આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ
પાસેથી કુલ 14 હથિયારો અને 28 જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે.
પ્રાથમિક
તપાસમાં આ હથિયારો મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાંથી ગુજરાતમાં લાવીને વેચવામાં
આવતા હોવાનો પર્દાફાશ થયો છે. રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન
હેઠળ પોલીસે તમામ આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, રિમાન્ડ મેળવી નેટવર્કના
મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ
સામે સઘન કોમ્બિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે.