દક્ષિણ
ગુજરાતમાં ધોધમાર : વલસાડમાં 9.57, ઉમરગામમાં 8.43 ઇંચ વરસાદ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 22: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ચાર દિવસ માટે ગુજરાતમાં
ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સૌની વચ્ચે હવામાન વિભાગની નાઉકાસ્ટ હેઠળ પણ
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન
વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય
હોવાથી વરસાદી માહોલ સર્જાયો છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં
વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં
વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક
વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં
છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર
હવેલી માટે રેડ અલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં
આવી છે. દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ
સુધી માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે
એલસીએસ-3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી છતાં રાજ્યમાં અત્યાર
સુધી સીઝનનો કુલ વરસાદ સામાન્યની સરખામણીએ અંદાજે 31 ટકા ઓછો નોંધાયો છે.
આજે
સાંજે ચાર વાગ્યા સુધીમાં નોંધપાત્ર પડેલા વરસાદના આંકડાઓ જોતા જણાય છે કે વલસાડમાં
9.57, ઉમરગામમાં 8.43, પારડીમાં 8.15, ખેરગામમાં 6.77, પલસાણામાં 6.02, ગણદેવીમાં
5.47, ચીખલીમાં 5.35, મહૂવામાં 4.96, બારડોલીમાં 4.84, વાલોદમાં 4.61, કપરાડામાં 4.53,
નાનાપોંઢામાં 4.45, અંબિકામાં 4.33, વ્યારામાં 4.29, જલાલપોરમાં 4.13, ધરમપુરમાં 4.06,
વાપીમાં 4.06, નવસારીમાં 3.78, ઉકાઈમાં 3.39, સોનગઢમાં 3.11, વાંસદામાં 2.76, ડોલવણમાં
2.72, ઉમરપાડામાં 2.09 અને ઝઘડિયામાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.