• ગુરુવાર, 23 જુલાઈ, 2026

મોરબી 2.75, ગિરનાર 2, જૂનાગઢ મેંદરડા-વિસાવદરમાં 1 ઇંચ

જૂનાગઢ-માણાવદરમાં વરસાદથી ખેતીને મળ્યું નવજીવન : મોરબીમાં પ્રથમ વરસાદે જ બજારો અને હોસ્પિટલમાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

રાજકોટ, તા.22: સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઇ હતી. લાંબા સમયની આતુરતાપૂર્વકની રાહ જોયા બાદ સોરઠ પંથકમાં મેઘ મહેર થતાચોતરફ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. આજે મોરબીમાં 2.75, ગિરનાર 2 અને જુનાગઢ-મેંદરડા-વિસાવદરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો મોરબીમાં પ્રથમ વરસાદે જ સ્થાનીક તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે. વાવણી બાદ મેઘરાજાની કૃપા વરસતા આ વરસાદ ઉભા પાક માટે કાચું સોનું સાબિત થયો છે. અને હવે ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઇ રહયા છે.

મોરબી :  આજે વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 43 મી. મી./પોણા બે ઈંચ વરસાદ પડયો હતો ં પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી હતી. મુખ્ય બજારો, તખ્તાસિંહજી રોડ (તેલ બજારમાં) પાણી ભરાતા વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. જૂના બસ સ્ટેશન સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકો મુશ્કેલી ભોગવવી પડી હતી.

જૂનાગઢ : જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ઝરમરિયા ઝાપટા વચ્ચે આજે સવારથી ગિરનાર પર્વતમાળામાં ધોધમાર સ્વરૂપે બે ઇંચ પાણી પડી ગયું હતું. જ્યારે જૂનાગઢ, મેંદરડા અને વિસાવદરમાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. તેમજ વંથલી અને ભેસાણમાં અડધો ઇંચ તથા જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા થી ભારે ઝાપટા પડયા હતા.

માણાવદર : શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ વરસાદી માહોલ જામતાં સમગ્ર પંથકમાં વાતાવરણમાં શ્રાવણી અહેસાસ અને આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. સતત વરસી રહેલા આ વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ખેડૂતો દ્વારા વાવણી પૂર્ણ કર્યા બાદ પાક માટે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. એવામાં મેઘરાજાએ કૃપા વરસાવતા આ વરસાદ ઉભા પાક માટે ’કાચું સોનું’ સાબિત થયો છે.

લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. લાઠી ગામે આવેલી ગાગડિયા નદીમાં પણ પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો. આ દરમિયાન સેતાપાટી નજીક આવેલા નદીના પુલ પાસેથી એક વૃદ્ધ નદીના પાણીમાં ફસાયેલા હોવાનું સ્થાનિક યુવાનોના ધ્યાન પર આવતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લાઠી નગરપાલિકાના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓ અલ્પેશભાઈ ડાંગર, મહેન્દ્રભાઈ બાખલકિયા અને મુન્નાભાઈ સરલીયા સહિતની ટીમે સ્થાનિક યુવાનોની મદદથી પાણીમાં ફસાયેલા વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ભાવનગર અને અલંગમાં 3 નંબરનું ચેતવણી સિગ્નલ

સામાન્ય રીતે ચોમાસા કે વરસાદી માહોલ દરમિયાન દરિયામાં હવાનું દબાણ અથવા ભારે પવનની સ્થિતિ સર્જાય ત્યારે ગુજરાતના દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું ચેતવણી સિગ્નલ રાખવામાં આવે છે. હાલમાં ભાવનગર અને અલંગ સહિતના બંદર અથવા તેની આસપાસના વિસ્તારમાં ખરાબ હવામાન અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવે છે આથી 3 નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક