• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

અમદાવાદમાં 108થી વધુ પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડનું કૌભાંડ ઝડપાયું, ત્રણની ધરપકડ

ગ્રાહકના ફિંગરપ્રિન્ટથી અન્યના નામે સીમકાર્ડ ચાલુ કરાતું, સોશિયલ મીડિયાથી સિન્ડિકેટનું સંચાલન થતું

અમદાવાદ, તા.21: અમદાવાદના કાગડાપીઠમાં પોલીસ પકડથી બચાવવા અને ખોટી ઓળખ ઊભી કરવાના આશયથી ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે 108 પ્રિ-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને 5 બાયોમેટ્રિક મશીન સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મળતી વિગતો પ્રમાણે ઉત્તરાખંડના હરિદ્વારથી આવેલા બે આરોપીઓ ત્યાં ગ્રાહકોને છેતરીને તેમના ફિંગરપ્રિન્ટ દ્વારા ગેરકાયદે રીતે સીમ કાર્ડ એક્ટિવેટ કરતા હતા. આ સીમકાર્ડ તેઓ અમદાવાદના એક સ્થાનિક આરોપીને 800થી 1000 રૂપિયામાં વેચવા આવ્યા હતા. સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેક્ટમાં આવેલી આ સિન્ડિકેટના મૂળ સુધી અને અગાઉના ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ હાલમાં આરોપીઓની વધુ તપાસ કરી રહી છે. ત્રણ આરોપીઓ પૈકી બે ઉત્તરાખંડના અને એક અમદાવાદનો છે. તેમની પાસેથી કુલ 108 પ્રિ-એક્ટિવેટેડ સીમકાર્ડ, ચાર મોબાઇલ ફોન અને પાંચ ફિંગરપ્રિન્ટ મશીન સહિત કુલ રૂ. 1,09,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે સીમકાર્ડ લેવા આવતા સામાન્ય ગ્રાહકોની બાયોમેટ્રિક પ્રક્રિયા દરમિયાન લેવામાં આવતા ફોટા અને ફિંગરપ્રિન્ટનો કથિત રીતે દુરુપયોગ કરવામાં આવતો હતો. ગ્રાહકનું સીમકાર્ડ રજીસ્ટ્રેશન નિષ્ફળ ગયું હોવાનું કહી તેને પરત મોકલી દેવામાં આવતો હતો, પરંતુ ત્યારબાદ તેની જાણ બહાર તેની ઓળખનો ઉપયોગ કરીને વધારાના સીમકાર્ડ એક્ટિવેટ કરવામાં આવતા હતા. ઝડપાયેલો આરોપી હરપાલાસિંહ રાજેન્દ્રાસિંહ પરમાર ખમણની લારી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના નહૂર અલી શમશાદ અલી રાવત અને કાસિફ અલી મુઝફ્ફર શાહ રાવત આ સિમકાર્ડ રાજેન્દ્રાસિંહને આપવા આવ્યા હતા. આ સિમ કાર્ડ અન્ય રાજ્યોના એડ્રેસ પર એક્ટિવેટ કરેલા હોવાથી, જો તેનાથી કોઈ ગુનો આચરવામાં આવે તો કાયદાનો અમલ કરતી એજન્સીઓ એટલે કે પોલીસ સરળતાથી અને ઝડપથી આરોપીઓ સુધી ન પહોંચી શકીએ.

આ ઉપરાંત, સાયબર ગુનેગારો પોતાની અસલી ઓળખ છુપાવીને ગુનો કરી શકે તે માટે અન્ય લોકોના નામે સિમ કાર્ડ મેળવવાનું આ મોટું ષડયંત્ર હોવાનું પ્રાથમિ રીતે જણાઈ રહ્યું છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક