(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.21:અમદાવાદના થલતેજ
વિસ્તારમાં રહેતા અને બિલ્ડર હોવાનો દાવો કરી મોટા લોકો સાથે ઓળખાણના બહાને સોના-ચાંદીના
વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના ચર્ચિત પ્રકરણમાં આર્થિક ગુના નિવારણ શાખા
દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે, જેમાં આરોપીઓએ શહેરના અનેક સોની વેપારીઓ પાસેથી
કિંમતી સોના-ચાંદીના દાગીના ખરીદી લીધા બાદ તેનું ચૂકવણું ન કરીને રૂ. 4.45 કરોડ જેટલી
માતબર રકમની છેતરાપિંડી આચરી હતી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ મોટા
જમીન-મકાન અને સોના-ચાંદીના સોદા કરતા હોવાનું કહીને વેપારીઓનો વિશ્વાસ જીત્યા બાદ
મોટી માત્રામાં દાગીનાનો ઓર્ડર આપતા હતા અને શરૂઆતમાં થોડી રકમ ચૂકવીને લાંબા સમય સુધી
બાકી પેમેન્ટ ન ચૂકવીને આખું નેટવર્ક ચલાવતા હતા. આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત
બાતમીના આધારે પોલીસે મુખ્ય સૂત્રધાર અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી વિભાણી, પુત્ર
વેદાંત વિભાણી અને જમાઈ શિવમ વિશ્રામભાઈ ગઢવી (રહે. મુંદરા, કચ્છ - જે પ્રદેશ ભાજપ
મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન વિશ્રામભાઈ ગઢવીના પુત્ર છે) ની ધરપકડ કરી લીધી છે,
જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલી પુત્રી રાજવી વિભાણી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલુ
છે અને મુખ્ય આરોપી અનિલ વિભાણી સામે અગાઉથી અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 11 જેટલા
ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ નિકોલમાં રહેતા એક વેપારીએ રૂ. 42 કરોડ પરત અપાવવાની
લાલચ આપીને એડવાન્સ પેટે રૂ. 28.37 લાખ પડાવી લીધાની અન્ય એક ફરિયાદ પણ સીઆઈડી ક્રાઈમમાં
નોંધાવી હોવાનું સામે આવ્યું છે.