છૂટક બજારમાં 20 દિવસમાં જ પ્રતિકિલોએ રૂ.21-22ની જોરદાર તેજી : 10 લાખ ટન કરમુક્ત ખાંડની આયાતને મંજૂરીથી ભાવ કાબૂમાં આવશે ?
રાજકોટ, તા.21: દેશમાં સરપ્લસ
ખાંડનો જથ્થો હોવાની સરકારી જાહેરાતો ખોખલી સાબિત થઈ છે કારણ કે છેલ્લા દોઢ મહિનામાં
જ ખાંડનો ભાવ રૂ.45થી વધીને રૂ. 70ને પાર પહોંચી ગયો છે. આ તેજી એવા સમયે થઈ છે જ્યારે
વર્ષના સૌથી મોટા તહેવારો આવી રહ્યા છે. જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને દિવાળીના તહેવારમાં
ખાંડનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. ટૂંકા સમયમાં જ ખાંડમાં રૂ.25ની તેજી થઈ જતા લોકોમાં
રોષની લાગણી ફેલાઈ છે. કારણ કે તહેવાર સમયે આમેય લોકોના બજેટ વધતા હોય છે ત્યારે હવે
ખાંડને લીધે બજેટ વધુ વધશે.
ભારત ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક
દેશ છે. દર વર્ષે ખાંડની નિકાસ કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ 8 લાખ ખાંડની નિકાસ કરવામાં
આવી છે. જોકે જૂલાઈના અંતમાં પરિસ્થિતિમાં અચાનક વળાંક આવ્યો હતો. અલનીનોની અસરથી શેરડીના
ઉત્પાદનને અસર થવાની અને ખાંડનું ઉત્પાદન ઘટવાની ચિંતા સામે આવતા ખાંડના ભાવમાં તેજી
શરૂ થઈ હતી.
દેશમાં ખાંડનો પૂરતો જથ્થો હોવાનું
અને ભાવમાં સટ્ટો થઈ ગયાનું જણાવી સરકારે નિકાસ પ્રતિબંધ લગાવી સ્ટોક મર્યાદા લાદી
હતી. જોકે સરકારના નિયંત્રણોની કોઈ અસર ન થતા સ્ટોક મર્યાદા કડક બનાવવામાં આવી છતા
ભાવ બેકાબૂ બની ગયા હતા. જેથી સરકારને ખાંડની આયાતનો વિચાર કરવાની ફરજ પડી હતી અને
અંતે 10 વર્ષ પછી સરકારે 10 લાખ ટન જેટલી ખાંડની આયાતને છૂટ આપવી પડી છે.
ખાંડમાં 20 દિવસમાં જ રૂ.20-21ની
અભુતપૂર્વ તેજી થઈ જતા ભાવ રૂ. 70ને પાર પહોંચી ગયો છે. રાજકોટની છૂટક બજારમાં પ્રતિકિલો
ભાવ રૂ. 71-72 થઈ જતા લોકોમાં ઉહાપોહ મચી ગયો છે. જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા
છે ત્યારે ખાંડના ભાવમાં તેજીની અસરથી મીઠાઈઓ પણ મોંઘી બનવાની શક્યતા છે.
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ખાંડનો
છૂટક ભાવ રૂ. 48-49 હતો. જે વધીને રૂ. 70-71 ઉપર પહોંચી ગયો છે. એક વર્ષ પૂર્વે ખાંડનો
ભાવ રૂ. 43-44 ચાલતો હતો. ખાંડના ભાવને કાબૂમાં લેવામાં અનેક પ્રયત્નો છતા નિષ્ફળતા
મળતા અંતે સરકારે ખાંડની કરમુક્ત આયાતને મંજૂરી આપી છે ત્યારે આગામી દિવસોમાં ખાંડના
ભાવ ક્યા શત્રથી ઘટશે ? તે જોવાનું રહ્યું.