• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

દીપડાઓને પાંજરા નહીં, કુદરતી વાતાવરણમાં રાખવાની વ્યવસ્થા

ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમાં રૂપિયા 3.62 કરોડના ખર્ચે ‘લેપર્ડ મોટ કેજ’ તૈયાર

 મિલાપ રૂપારેલ

અમરેલી તા.22 : ધારી ગીર પૂર્વ વન વિભાગ હેઠળના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી સફારી પાર્ક ખાતે વન્યજીવોના સંરક્ષણ અને દીપડાઓને કુદરતી વાતાવરણ પૂરું પાડવાના હેતુથી ‘લેપર્ડ મોટ કેજ’ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પાછળ રૂ.3.62 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.     

પ્રોજેક્ટનું લોકાર્પણ ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આંબરડી સફારી પાર્ક, વન્યજીવ સંરક્ષણ તથા પ્રવાસનના દૃષ્ટિકોણથી મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. આ નવા પ્રોજેક્ટમાં દીપડાઓને પરંપરાગત પાંજરામાં રાખવાને બદલે તેમના માટે કુદરતી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. દીપડાઓની સુરક્ષા સાથે પ્રવાસીઓને પણ વન્યજીવોને તેમના કુદરતી વર્તન સાથે નિહાળવાની તક મળે તે રીતે સમગ્ર વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.

આ પ્રોજેક્ટમાં હાલમાં કુલ 9 દીપડા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અને તે તમામ દીપડા નર છે. દીપડાઓ માટે કુલ 10 ફૂડ રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત પીવાના પાણી માટે 3 પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. દીપડાઓની દેખરેખ અને આરોગ્યની કાળજી માટે એક વેટરનરી ઓફિસર તથા એક લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત પ્રોજેક્ટની દૈનિક કામગીરી માટે 3 મજૂરોની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

 

મોટ દ્વારા સુરક્ષિત અને કુદરતી માહોલ

આ ‘લેપર્ડ મોટ કેજ’ની સૌથી મહત્વની વિશેષતા એ છે કે, દીપડાઓને પાંજરાની જગ્યાએ કુદરતી વાતાવરણમાં રાખવા માટે મોટ એટલે કે ઊંડી ખાઈ આધારિત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થાના કારણે દીપડાઓને ખુલ્લા આકાશ નીચે પોતાની કુદરતી ગતિવિધિઓ કરવાની તક મળશે. સાથે જ આધુનિક સુરક્ષા વ્યવસ્થાથી પ્રવાસીઓ અને દીપડાઓ વચ્ચે સીધો સંપર્ક ન થાય તેની કાળજી લેવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક