• મંગળવાર, 25 જૂન, 2024

વાણીયા ગામે પવનચક્કીની કામગીરીમાં દુર્ઘટના: એકનું મૃત્યુ

ક્રેઇન પડતાં પાંચને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: એકની હાલત ગંભીર

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.17: જામનગરનાં વાણિયા ગામે સુઝલોનની પવનચક્કી ફીટ કરવાની કામગીરી દરમિયાન ક્રેઇન ધડાકાભેર તૂટી પડતા દુર્ધટના સર્જાઈ હતી. જેમાં એક શ્રમિકનું ગંભીર ઈજા થતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ શ્રમિકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર તાલુકાનાં વાણિયા ગામ પાસે સુઝલોન કંપની દ્વારા પવનચક્કી 

ફિટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે, જે દરમિયાન રવિવારે બપોરે 2.30 વાગ્યાના અરસામાં એક ક્રેઇન મારફતે પવનચક્કી ઊભી કરવામાં આવી રહી હતી ત્યારે એકાએક પવનનાં કારણે ક્રેઇન તૂટી પડી હતી અને ક્રેઇનનો હિસ્સો જમીન પર ધસી પડયો હતો. આ સમયે નીચે કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે નાસભાગ થઈ હતી. ક્રેઇન ધસી પડતા નીચે કામ કરી રહેલા છ શ્રમિક દટાઈ ગયા હતા. જેમાં મૂળ રાજસ્થાનના અજમેરના વતની રાજેન્દ્રાસિંગ નામના 22 વર્ષના પરપ્રાંતીય શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ નીપજ્યું હતું.

 આ ઉપરાંત ક્રેઇન નીચે કામ કરી રહેલા હરદીપાસિંગ, રૂમાનાસિંગ, જેઠાકાંત ઘનાસિંગ સહિતના અન્ય પાંચ શ્રમિકોને ઈજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા પંચકોષી એ ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક