જુનાગઢ ગરબી જોઈ પરત જતા બે યુવાનને ગળવાવ ફાટક પાસે મોડી રાત્રે મોત મળ્યું
જૂનાગઢ, તા.20 : માણાવદરના પાંચ
મિત્રો જૂનાગઢ ગરબી જોઈને મોડી રાત્રે પરત જઈ રહ્યા હતા ત્યારે ગળવાવ ફાટક ખાતે લઘુ
શંકા કરવા ઉભા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ શેરડી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી યુવાનો
પર પડતા બે યુવાનોના મૃત્યુ થયા હતા અને અન્યને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં
આવેલા છે. આ અંગેની વિગત પ્રમાણે માણાવદરના નૂતન મિલ પાસે રહેતા પીયૂષ જીતુ ગોસ્વામી
તથા તેના મિત્રો કુલદીપ, અજય મનોજ સોલંકી, વિશાલ રમેશ પાટડિયા સહિતના પાંચ મિત્રો બે બાઇકમા જૂનાગઢ ગરબી જોઈ પરત ફરતી વખતે ગળવાવ
ફાટક રસ્તાની બાજુમાં ઊભા હતા ત્યારે જૂનાગઢ તરફથી પૂરપાટ ઝડપે શેરડી ભરેલું ટ્રેક્ટર
આવી રહ્યું હતું અને આ યુવાનો ઊભા હતા ત્યાં ટ્રોલીનો હુક ટ્રેક્ટર માંથી નીકળી જતા
શેરડી ભરેલી ટ્રોલી રસ્તા પર ઉભેલા યુવાનો ઉપર પડતાં પાંચેય દબાયા હતા.
આ બનાવ સાથે જ ટ્રેક્ટર ચાલક
ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો જ્યારે આ સમયે રસ્તા ઉપર થી પસાર થતા લોકો મદદે દોડી આવ્યા
હતા અને 108 તથા માણાવદર પોલીસને જાણ કરી હતી. તેમણે દોડી આવી જે.સી.બી.ની મદદ વડે શેરડીના ઢગલામાં
દબાયેલા યુવાનને બહાર કાઢ્યા હતા અને ઘવાયેલા ઓને માણાવદર હોસ્પિટલ ખસેડાયા હતા.
ત્યાં અજય મનોજ સોલંકી અને વિશાલ
રમેશ પાટડીયા ની હાલત ગંભીર જણાતા બંનેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડાતા
ફરજ પરના ડોક્ટરે તપાસી બંનેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે માણાવદર પોલીસે પીયૂષ જીતુ
ગોસ્વામીની ફરિયાદના આધારે રજીસ્ટર નંબર વગરના ટ્રેક્ટરના ચાલક સામે ગુનો નથી તપાસ
હાથ ધરી છે.