નવી દિલ્હી, તા.20ઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચાર દિવસ માટે વિયતનામ પ્રવાસે રવાના થયા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે તહેવારોના સપ્તાહને ધ્યાનમાં રાખીને વિપક્ષી ઈન્ડિયા ગઠબંધને દિલ્હીમાં પોતાના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. છેલ્લા બે અઠવાડિયાથી રાહુલ ગાંધી રાજધાની દિલ્હીમાં વિપક્ષી પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મત ચોરીના આરોપોને લઈને કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી ચાર દિવસ સુધી વિદેશમાં રહેશે. ભાજપે રાહુલની આ યાત્રા સામે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, રાહુલથી આ વધુ સહન થઈ શક્યું નહીં. આખરે તેઓ કેટલી મહેનત કરી શકે? મત ચોરીનો મુદ્દો તો માત્ર એક બહાનું છે. બધા જાણે છે કે તેઓ કેટલા આળસુ છે. હવે તેમનું પર્યટન ફરી શરૂ થઈ ગયું છે. આપણે જોઈ શકીએ છીએ કે તેઓ બે અઠવાડિયાં પણ કામ કરી શક્યા નહીં અને ફરી પ્રવાસે નીકળી પડÎા. આ વખતે તેઓ વિયતનામના પ્રવાસે ગયા છે.