• મંગળવાર, 25 જૂન, 2024

સૌરાષ્ટ્રભરમાં આજે વાજતેગાજતે વિઘ્નહર્તાનાં વધામણાં

વિવિધ જગ્યાએ પંડાલ ગોઠવાયાં, શોભાયત્રા, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન: વરસાદનાં વિઘ્નથી આયોજકોમાં ચિંતા પ્રસરી

 

રાજકોટ, તા.18: વિઘ્નહર્તા દેવ ગણપતિના ઉત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરમાં ઉજવણીની તૈયારીઓ થઈ છે, વિવિધ જગ્યાએ પંડાલ ગોઠવાયાં છે તો શોભાયત્રા, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન થયાં છે. ગામડાઓથી લઈને શહેર સુધી તા.19ના સવારે વાજતેગાજતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવનાર છે. જો કે, આજથી વરસાદનો રાઉન્ડ શરૂ થતાં આયોજકોમાં ચિંતા પ્રસરી છે.

જૂનાગઢ શહેરમાં 200થી વધુ સ્થળે આયોજન થયાં છે. આયોજકો છેલ્લા પંદર દિવસથી મૂર્તિઓની પસંદગી અને ખરીદી કરી રહ્યા હતા. આવતીકાલે સવારે વિવિધ સ્થળોએથી વાજતે ગાજતે ગણપતિના સામૈયા સાથે પંડાલોમાં સ્થાપન કરાશે.

મોરબી શહેરમાં લીલાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરાયું છે જ્યાં દરરોજ મહાઆરતી ઉપરાંત અનેક ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જ્યારે લખધીરવાસ ચોક ખાતે મયુરનગરી કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. સ્વસ્તિક ગ્રુપ દ્વારા પારેખ શેરીમાં આયોજન કરાયું છે.

વાંકાનેરમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શહેર-તાલુકાના પંડાલોમાં બિરાજમાન થનાર ગણેશજીની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય જીતુ સોમાણી તેમજ સંતો-મહંતો, ધાર્મિક સંસ્થાઓ, રાસ-મંડળી, મહિલા ધૂન મંડળો પણ જોડાશે.

ભાવનગરમાં સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ખાતે આયોજિત સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં સવારે 11 કલાકે પૂજનવિધિ બાદ સ્થાપન કરાશે. દશ દિવસ સવાર-સાંજ આરતી, ભજન, લોકગીત, હાસ્ય મનોરંજન, દેશભક્તિ ગીત-નૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

 બોટાદમાં છેલ્લા દિવસે ગણેશ ઉત્સવ ઉજવવા ધક્તો ખરીદીમાં જોડાયા હતા. પર્યાવરણને ધ્યાને રાખીને ભક્તો પીઓપીના બદલે ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂતિઓ તરફ આકાર્ષાયા છે.

દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રામનાથ કા રાજા, નવાપરા, સિદ્ધિ વિનાયક ગ્રુપ સહિતનાઓ દ્વારા મહોત્સવના આયોજન કરાયાં છે. જેમાં દરરોજ મહાઆરતી, અન્નકૂટ, શ્રીનાથજીની ઝાંખી, દિવડા આરતી, ધ્રોકળ દર્શન, સૂકા મેવાના દર્શન, 101 લાડુનો ભોગ, છપ્પન ભોગ, અમરનાથ દર્શન સહિતના કાર્યક્રમ યોજાશે તેમજ શોભાયાત્રા સાથે વિસર્જન થશે.

જામનગરમાં ગણેશ મૂર્તિ વિસર્જનને લઈને વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નક્કી કરેલા રૂટ પર સરઘસ કાઢીને નક્કી કરેલા જળાશયોમાં જ વિસર્જન કરી શકાશે. કોઈ અન્ય ધર્મની લાગણી દુભાઈ તેવાં ચિત્રો કે સૂત્રોનો ઉપયોગ કરવો નહીં. વધેલી કે ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકી શકાશે નહીં.

તાલાલા પોલીસ સ્ટેશનમાં આજે ગણપતિ ઉત્સવ તથા ઈદ એ મિલાદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ કામગીરીમાં સહભાગી થવા અપીલ કરાઈ હતી.

અમરેલી : લોહાણા મહાજન દ્વારા લાઠી રોડ ખાતે આયોજીત ગણેશ મહોત્સવમાં શોભાયાત્રા બાદ ગજાનનનું સ્થાપન કરાશે. આ સાથે સત્યનારાયણ ભગવાનની કથા, સુંદરકાંડના પાઠ, દાંડિયારાસ સહિતના વિવિધ ધાર્મિક કાર્યોક્રમો યોજવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક