ક્બાલાગામ
રોડ પર વળાંકમાં કાબૂ ગુમાવતાં સ્વિફ્ટ કાર પથ્થર સાથે અથડાઈ પલટી ખાઈ, કારમાં સવાર
યુવતી ગંભીર હાલતમાં ખેતરમાં ફંગોળાતાં બચી ગઈ
જુનાગઢ,
કેશોદ,તા.22: કેશોદના બાલાગામ રોડ પર વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.
પૂરઝડપે પસાર થતી લાલ રંગની સ્વિફ્ટ કાર વળાંક પાસે ચાલકના કાબૂ બહાર જતાં રસ્તાની
બાજુમાં આવેલા પથ્થર સાથે જોરદાર અથડાઈ પલટી ખાઈ હતી. અકસ્માત બાદ કારમાં અચાનક આગ
ફાટી નીકળતાં જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર ચાર મિત્રો
પૈકી ત્રણનાં આગની લપેટમાં આવી જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે
એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. વહેલી સવારે બનેલી આ ગમખ્વાર દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં
અરેરાટી અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
પ્રાથમિક
વિગતો મુજબ, કારમાં સવાર ત્રણ મિત્રો અકસ્માત બાદ આગની લપેટમાં આવી જતાં બહાર નીકળી
શક્યા ન હતા અને તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. જ્યારે કારની આગળની સીટમાં બેઠેલી
યુવતી અકસ્માત દરમિયાન કારનો આગળનો ભાગ તૂટી જતાં બહાર ફંગોળાઈને નજીકના ખેતરમાં જઈ
પડી હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જોકે તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક
108 એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાની
જાણ થતાં કેશોદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડે ભારે જહેમત
બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં સ્વિફ્ટ કાર સંપૂર્ણપણે બળીને ખાખ
થઈ ગઈ હતી. ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા હતા. બીજી તરફ પોલીસે અકસ્માત અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં
ઓવરસ્પીડના કારણે વળાંક પર કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન
છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક જ કારમાં
સવાર ચાર મિત્રોમાંથી ત્રણનાં મોત અને યુવતી ગંભીર રીતે ઘાયલ થતાં અનેક પરિવારોમાં
શોકનો માહોલ છવાયો છે.