દિલજીતે
હાટકેશ્વર મહાદેવ મંદિરમાં શીશ નમાવ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.22: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે તેના અમદાવાદમાં ઔરા ઈન્ડિયા ટુર કાર્યક્રમ
બાદ રવિવારે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગર વડનગરની મુલાકાત લીધી હતી.
પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને ભવ્ય ઇતિહાસને નજીકથી
નિહાળ્યો હતો.
દિલજીત
દોસાંઝે સૌપ્રથમ વડનગર સ્થિત સુપ્રસિદ્ધ અને પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત
લઈ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના અદભુત કોતરણીકામ અને આધ્યાત્મિક
વાતાવરણથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા.
ત્યારબાદ
તેણે વડનગર ખાતે નિર્માણ પામેલા અત્યાધુનિક આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની
પણ મુલાકાત લીધી હતી. મ્યુઝિયમમાં સંગ્રહિત હજારો વર્ષ જૂના પુરાતત્વીય અવશેષો, ઉત્ખનન
દરમિયાન મળી આવેલી ઐતિહાસિક ચીજવસ્તુઓ અને વડનગરની જીવંત સંસ્કૃતિની ગાથા રજૂ કરતા
વિવિધ વિભાગોનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
વડનગરના
આ ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય મહત્વની જાણકારી મેળવી દિલજીત દોસાંઝે ભારે
ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર તથા પુરાતત્વ વિભાગના અધિકારીઓ અને
કર્મચારીઓએ હાજર રહીને પંજાબી પોપ ગાયક દિલજીતને વડનગરના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી
પૂરી પાડી હતી.