26 અને 27 નવેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
અમદાવાદ, તા. 20: રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 26 અને 27 નવેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી અને રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાવદ વરસી શકે છે. માવઠાની આગાહીને પગલે રવી પાકને નુકસાન જવાની શક્યતા છે.
તા.26મીના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ તથા તા.27મીના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડી મહિસાગર, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં કમોસમી વરસાદની શક્યતા છે.
ધીમે ધીમે ઠંડી વધવાની સાથે વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના સેવાય છે. જેમાં અમદાવાદમાં 18 ડિગ્રી, ડીસામાં 17, ગાંદીનગરમાં 16.8, વલ્લભ વિદ્યાનગરમાં 19, વડોદરામાં 17.8, સુરતમાં 20.2, વલસાડમાં 20, ભુજમાં 17.1, નળિયામાં 12.8 રહેવાની શક્યતા છે.