• શનિવાર, 01 એપ્રિલ, 2023

Breaking News

રાજકોટમાં ‘રફતાર’ પકડતો કોરોના : વધુ 13 કેસ !

રાજ્યમાં 24 કલાકમાં નવા 179 કેસ: અમરેલીમાં 9, ભાવનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 3, જૂનાગઢ અને પોરંબદરમાં 2-2 કેસ નોંધાયા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 18 :  રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધુ જઈ રહ્યું છે, આજે શહેરમાં વધુ ડઝનેક પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતીઓએ ફરીથી સાવધાન રહેવાની જરૂરિયાત સર્જાઈ છે.

રાજકોટ શહેરમાં કોરોના ધીરેધીરે રફતાર પકડી રહ્યો છે. રોજ ડઝનેક કેસ મનપાના આરોગ્ય તંત્રના ચોપડે નોંધાય છે ત્યારે આજે 13 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં વોર્ડ નં.9માં તિરૂપતિ અને આશાપુરા યુએચસીમાં બે મહિલાઓને કોરોના આવ્યો છે જ્યારે વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં એક 14 વર્ષીય કિશોરી કોરોના સંક્રમિત થઈ છે. વોર્ડ નં.3માં તક્ષશીલા સોસાયટી તેમજ  કાશી વિશ્વનાથ પ્લોટમાં આવેલા જીવનધારા એપાર્ટમેન્ટમાં બે વૃદ્ધ, રેલનગરમાં એક યુવાન તેમજ વોર્ડ નં.8માં પ્રજાપતિ સોસાયટીમાં અન્ય એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે.

આ ઉપરાંત વોર્ડ નં.18માં કોઠારિયા રોડ ઉપર ગોવિંદનગર-3માં એક યુવતિ, વોર્ડ નં.8માં અંબિકા ટાઉનશીપમાં સત્યજીત સોપાન સી-202 તેમજ ગુલાબનગર-4માં એફસીઆઈ સોસાયટી તેમજ નાનામવા મેઈન રોડ ઉપર લક્ષ્મી સોસાયટીમાં કુલ 3 યુવાનને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. વોર્ડ નં.9માં સૌરાષ્ટ્રકલા કેન્દ્ર સોસાયટીમાં ચંદનવિલામાં એક વૃદ્ધ તેમજ રૈયાધારમાં એક યુવાન કોરોના સંક્રમિત થયો છે તમામને હોમઆઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લામાં પણ 6 કેસ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ ઉપરાંત પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ બે કેસ નોંધાયા છે જેમાં એક પોરબંદર શહેરનો તેમજ એક મોઢવાડા ગામનો છે. મોઢવાડાની 50 વર્ષીય મહિલા તેમજ પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારની 32 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.