• મંગળવાર, 23 એપ્રિલ, 2024

માછીમારોનું અસ્તિત્વ જોખમમાં મૂકતી લાઇટ, ઘેરા જેવી ફિશિંગ પ્રવૃત્તિઓ રોકવા માગ

માછીમારો દ્વારા ઠેર-ઠેર તંત્રને આવેદનપત્ર પાઠવી ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા માગણી કરી

 

વેરાવળ, માંગરોળ, કોડિનાર, તા.21: રાજ્યના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઇટ, ઘેરા, લાઇન જેવી ફિશિંગ પ્રવૃત્તિઓ મોટા પાયે થઈ રહી હોવાથી માછીમારો અને મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તો કાયદામાં સ્પષ્ટ જોગવાઈના અભાવે આવી રાક્ષસી ફિશિંગની પ્રવૃત્તિઓ મોટા પાયે થઈ રહી છે ત્યારે તેને તત્કાલ પ્રભાવથી રોકવા માટે આજે વેરાવળ, માંગરોળ અને કોડિનારમાં માછીમાર આગેવાન દ્વારા તંત્રને આવેનપત્ર પાઠવી માગ કરવામાં આવી છે.

વેરાવળ ખારવા સમાજના પટેલ દામજીભાઈ ફોફંડી, તુલસીભાઈ ગોહેલ, ભીડિયા કોળી સમાજના જેન્તીભાઈ સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે, છેલ્લા થોડા સમયમાં અન્ય બંદરોના માછીમારો ગ્રુપ બનાવી પોતાની ફિશિંગ બોટો થકી ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઇન, લાઇટ અને ઘેરા જેવી રાક્ષસી ફિશિંગની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેનાં કારણે માછીમારો અને મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. આ પ્રકારની રાક્ષસી પદ્ધતિથી ફિશિંગ કરતી બોટો અન્ય રાજ્યોની હોય છે. જે પોતાના વિસ્તારમાં આવી ગેરકાયદેસર ફિશિંગની પ્રવૃત્તિ કરી માછલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી નાખતા ત્યાંનો દરિયો લગભગ ખાલી જેવો કરી દીધેલ છે.

તેમજ માછીમારોના આ વિકટ પ્રશ્ને માંગરોળ ખારવા સમાજના પટેલ પરષોત્તમભાઈ ખોરાવાની આગેવાનીમાં માછલીના વેપારીઓ, માછીમારોએ મામલતદારને રજૂઆત કરી આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી હતી તથા કોડિનારનાં મૂળ દ્વારકા ગામના ત્રણેય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે અન્ય રાજ્યોના કેટલાક બંદરોના માછીમાર ગ્રુપના ફાશિંગ બોર્ડ દ્વારા દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફાશિંગ, લાઇટ ફાશિંગની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. તે સામૂહિક નાના માછીમારોનાં હિત વિરુદ્ધ છે. આ પ્રકારની ગેરકાયદેસર રીતે થતી લાઇટ અને લાઇન ફાશિંગનાં કારણે માછીમારી વ્યવસાય ઉપર નભતા રાજ્યના લાખો પરિવાર ધંધા રોજગાર વિના થઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક