• શનિવાર, 27 જુલાઈ, 2024

મૌલાના અઝહરી શરતી જામીન પર મુક્ત થતાં જ ફરી પાસામાં ધકેલાયો  

- મોડાસા સેસન્સ કોર્ટમાં રાહત મળી, પણ જૂનાગઢ કલેક્ટરનાં વોરન્ટથી ફરી જેલહવાલે

 

અમદાવાદ, જૂનાગઢ, તા.22:  ગુજરાતમાં જૂનાગઢ, કચ્છ, મોડાસા સહિત અનેક સ્થળોએ ભડકાઉ ભાષણ આપવાના ચકચારી પ્રકરણમાં મુંબઈના નામચીન મૌલાના સલમાન અઝહરીને આજે મોડાસા સેસન્સ કોર્ટમાં શરતી જામીનની રાહત મળી હતી, પણ જેલમુક્ત થતાં જ ફરી જૂનાગઢ કલેક્ટરના પાસાનાં વોરન્ટથી ફરી જેલહવાલે કરી દેવાયો હતો.

અરવલ્લીમાં મૌલાનાનાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં આજે મૌલાના મુફ્તીને મોડાસા ટાઉન પોલીસ દ્વારા મોડાસા કોર્ટમાં રજૂ કરાયો હતો. અહીં તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં કોર્ટે મૌલાના સલમાન અઝહરીની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી અને તેના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેમાં પાસપોર્ટ જમા, હાજરી સહિતની શરતે જામીન મંજૂર થયા છે.

 ઉલ્લેખનીય છે કે, ગત 31મી જાન્યુઆરીએ મુસ્લિમ સમાજના ઉપદેશક મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ મામલે એટીએસએ મુંબઈથી મૌલાનાની ધરપકડ કરી હતી. એ જ રીતે કચ્છ અને મોડાસામાં પણ ભડકાઉ ભાષણ અંગે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે મોડાસા સેસન્સ કોર્ટનાં શરતી જામીન મળવાથી મોલાના અઝહરી સાબરમતી જેલમાંથી છૂટતા જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી પાસાની દરખાસ્તને આધારે કલેક્ટરનાં વોરન્ટથી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરીને વડોદરા જેલહવાલે કરી દીધો હતો. નોંધનીય છે કે, મોલાના અઝહરી સામે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં 11 ગુના નોંધાયેલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક