• શનિવાર, 13 જુલાઈ, 2024

વિઠ્ઠલગામ પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતા ત્રણ યુવાનનાં મૃત્યુ

ડમ્પરે બાઇકને 50 મીટર સુધી ઢસડયું : ભારે ટ્રાફિક જામ સર્જાયો

લખતર/સુરેન્દ્રનગર, તા.ર1 : સુરેન્દ્રનગર હાઇ વે પર ગોઝારા અકસ્માતોની હારમાળા સમયાંતરે સર્જાતી હોવાના કિસ્સા પોલીસમાં નોંધાતા હોય છે ત્યારે આવો જ વધુ એક ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા વિઠ્ઠલગઢ ગામના બે અને ધુલેટા ગામના એક સહિત ત્રણ યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યાં હતાં.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, લખતર વિરમગામ હાઇ વે પરના વિઠ્ઠલગઢ ગામે રહેતો ગૌતમ દેવીદાસ પરમાર, જીગાભાઈ કિસાભાઈ બાવળિયા અને વિરમગામના ધુલેટા ગામનો અશોક મફાભાઈ સેનવા નામના ત્રણેય યુવાન બાઇક લઈને વિઠ્ઠલગઢ ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરઝડપે ધસી આવેલા ડમ્પરે બાઇકને અડફેટે લેતા ત્રણેય યુવાન ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ ત્રણેયનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને અકસ્માત બાદ ચાલક ડમ્પર રેઢું મૂકી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતના પગલે હાઇ વે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં  પોલીસ તેમજ ત્રણેય યુવાનના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવના પગલે ત્રણેય યુવાનના પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. ગોઝારો અકસ્માત સર્જનાર ડમ્પરે બાઇકને પ0 મીટર સુધી ઢસડી નાખ્યું હતું. પોલીસે નાસી છૂટેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક