• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જૂનાગઢના રાજુ સોલંકીની પત્ની સહિત બેની ગુજસીટોક હેઠળ ધરપકડ જૂનાગઢનો એક આખો પરિવાર ગુજસીટોકમાં

જૂનાગઢ, તા.20: ગુજરાતમાં ગેંગ વોરનો ખાતમો કરવા રાજ્ય સરકારે ગુજસીટોક કાયદો અમલમાં મૂક્યો છે ત્યારે જૂનાગઢનાં ખાડિયામાં રહેતા રાજુ સોલંકી તેના બન્ને પુત્ર અને ભાઇની આ કાયદા હેઠળ ધરપકડ કરી સુરત જેલ હવાલે કરાયા બાદ તપાસમાં તેની પત્ની અને એક શખસની સંડોવણી બહાર આવતા આજે બન્નેની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢના રાજુ સોલંકી ગેંગ સામે અનેક ગુના નોંધાયા હતા અને વધુ ગુના આચરે તેવી દહેશતને ધ્યાને લઈ થોડા સમય પહેલાં રાજુ સોલંકી, તેના બન્ને પુત્ર તથા ભાઇ સહિત પાંચ શખસ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સુરત જેલમાં ધકેલાયા હતા. આ બનાવની તપાસ માંગરોળના ડીવાય. એસ.પી. ડી. વી. કોડિયાતર ચલાવી રહ્યા છે.

પોલીસ તપાસમાં આ ગેંગમાં રાજુ સોલંકીની પત્ની હંસા તથા નસરુદ્દીન ઉર્ફે ડાડોની સંડોવણી બહાર આવી હતી. હંસાબેન રાજુ સોલંકી સામે ચાર અને નસરુદ્દીન ઉર્ફે ડાડા સામે હત્યા સહિતના છ ગુના નોંધાયેલ હોવાથી આ બન્ને સામે ગુજસીટોક ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

તપાસનીશ અધિકારી ડી.વી. કોડિયાતરે જણાવ્યું કે રાજુ સોલંકી ગેંગમાં સંડોવણી બહાર આવતા બન્નેની ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. આવતી કાલ કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂકરાશે.

ગુજસીટોક કાયદા હેઠળ જૂનાગઢના રાજુ સોલંકી પરિવારના પાંચ સભ્યની ધરપકડ થતાં આવી પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં આ કાયદા હેઠળ આખો પરિવાર સામેલ હોય તેવો આ કદાચ પ્રથમ બનાવ હશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક