• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

શિક્ષકે પોલીસે કેસની ધમકી આપતાં છાપરાના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો

શાળાના આચાર્ય, બે શિક્ષિકા ‘છૂ’: ઘરેથી પેપર લખીને કેમ આવ્યો ? પૂછી ધમકાવ્યો હતો

રાજકોટ, તા.ર1 : લોધિકાનાં મોટાવડા ગામે શાળામાં અભ્યાસ કરતા ધોરણ-11ના છાત્રને આચાર્ય અને બે શિક્ષિકાએ ઘેરથી પેપર કેમ લખીને આવ્યો છો તેમ કહી પોલીસ કેસ કરવાની ધમકી આપતા નાસીપાસ થઈ ગયેલા છાત્રએ વીડિયો બનાવી અને સુસાઇડ નોટ લખી ઘેર જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી શાળાના આચાર્ય અને બે શિક્ષિકા વિરુદ્ધ આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ કરુણ બનાવ અંગેની વિગત એવી છે કે, લોધિકાનાં છાપરા ગામે રહેતો અને મોટાવડા ગામે આવેલી હાઇસ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતા ધ્રુવિલ ભરતભાઈ મારુ નામના વિદ્યાર્થીએ તેનાં ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગેની જાણ થતા પોસઇ. શર્મા તથા એએસઆઇ હરેશભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ધ્રુવિલ મારુને ગત તા.19થી શાળામાં છમાસિક પરીક્ષા ચાલુ હોય સવારે સ્કૂલે ગયો હતો અને પિતા ભરતભાઈ માલઢોર લઈ ગામની સીમમાં ચરાવવા ગયા હતા. પોલીસે મૃતક ધ્રુવિલનો મોબાઇલ તપાસતા તેમાથી બે વીડિયો મળ્યા હતા અને પ્રથમ વીડિયોમાં માતા-પિતાને ઉદ્દેશીને વાત કરી હતી અને બીજા વીડિયોમાં એક સુસાઇડ નોટ હતી. જેમાં રડતા રડતા બોલતો હતો અને પોલીસ મને પકડી જશે. હું ત્યાં જેલમાં રહી નહીં શકું. તેવો વીડિયો બનાવ્યો હતો. પોલીસે બન્ને વીડિયો અને સુસાઇડ નોટ કબજે કરી હતી. પોલીસ વધુ તપાસમાં ધ્રુવિલ સ્કૂલે ગયો હતો ત્યારે શાળાના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મૌસમી શાહ અને વિભૂતિ જોષીએ પેપર કેમ ઘેરથી લખીને આવ્યો છો તેમ કહી અને પોલીસ કેસ કરવાની ધમકી આપી ધમકાવતા માઠું લાગી આવ્યું હતું અને બાદમાં આ પગલું ભરી લીધાનું ખૂલ્યું હતું.

આ બનાવ અગે પોલીસે મૃતક છાત્ર ધ્રુવિલના પિતા ભરતભાઈ ડુંગરભાઈ મારુની ફરિયાદ પરથી મોટાવડા હાઇસ્કૂલના આચાર્ય સચિન વ્યાસ, શિક્ષિકા મૌસમી શાહ અને વિભુતિ જોષી વિરુદ્ધ આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક