બીજા
દિવસે પણ તપાસનો ધમધમાટ : એલસીબી, સાયબર ક્રાઇમના અધિકારી - કર્મચારીનાં નિવેદન લીધાં
: નવા કડાકા ભડાકાનાં એંધાણ
અમરેલી,
તા.21 : સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા નકલી લેટરકાંડ મામલે અમરેલી પોલીસ સામે પાયલ
ગોટીને માર મારવા તથા તેણીનું જાહેરમાં સરઘસ કાઢવાના મુદ્દે પાયલ ગોટી દ્વારા પોલીસ
સામે આક્ષેપ થયા છે. જેના પગલે પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને કરેલી ફરિયાદના મુદ્દે
તપાસ કરવા માટે સોમવારથી જ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી
આવી પહોંચ્યા છે અને સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત બીજા દિવસે
એલસીબી અને સાયબર ક્રાઇમના અધિકારીઓ અને કર્મચારીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં.
તપાસ પૂર્ણ કરી રાજ્ય પોલીસ વડાને રિપોર્ટ સોંપવામાં આવશે. જેથી નવા કડાકા ભડાકાનાં
એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમરેલીના
ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર પ્રકાર આક્ષેપવાળા ચકચારી નકલી લેટરકાંડ મામલે અગાઉ
પોલીસ દ્વારા પાયલ ગોટીને માર મારવા તથા તેણીનું જાહેરમાં સરઘસ કાઢવાના મુદ્દે અમરેલી
જિલ્લા સહિત ગુજરાતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં પાયલ ગોટીએ રાજ્ય પોલીસ
વડા વિકાસ સહાયને કરેલ લેખિત ફરિયાદના મુદ્દે તપાસ કરવા માટે રાજ્ય પોલીસ વડાએ અમરેલીના
પૂર્વ એસ.પી. અને હાલ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાયને સોંપેલ
છે. જેથી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય છેલ્લા બે દિવસથી અમરેલી
આવી પહોંચ્યા હતા.
નિર્લિપ્ત
રાયે અમરેલી આવ્યા બાદ અમરેલી પોલીસ સામે ફરિયાદ કરનાર પાયલ ગોટીનું નિવેદન સર્કિટ
હાઉસ ખાતે નોંધાયું હતું અને લાંબી પૂછપરછ બાદ આ બનાવમાં લાગતા વળગતા પોલીસકર્મીઓને
પણ એક પછી એકનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. સતત બીજા દિવસે પણ આ કેસમાં લાગતા વળગતા
લોકોને એક પછી એકને બોલાવી અને નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.
ગુજરાત
સ્ટેટ મોનિટરિંગ સેલના ડી.આઇ.જી. તથા સ્ટાફના લોકો આજે સાંજ સુધીમાં પોતાની તપાસ પૂરી
કરી અને આ તપાસનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળ્યું છે
ત્યારે અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે ચકચાર મચી જવા પામી છે.