• શુક્રવાર, 18 એપ્રિલ, 2025

મોરબીના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ માંગ્યા, યુવતી સહિત બે ઝડપાયા વેપારીને ફસાવવા ફઈના દીકરાએ જ કાવતરું રચ્યું

            બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપી

જૂનાગઢ, તા.8: મોરબીના લાલપર ગામમાં ખોડીયાર પ્રોવિઝન સ્ટોર ચલાવતા પંકજ ભરતભાઈ ડઢાણીયા ઉ.31 ને ગત તા.1 એપ્રિલે મોબાઇલમાં વડીયાની જાનવી નામે એક ટેક્ષ મેસેજ આવ્યો હતો, અને હાઈ હલ્લોના મેસેજમાં વ્યવહાર શરુ થયા પછી બને વચ્ચે વાતચીત થયેલ અને યુવતીએ પંકજને પ્રેમજાળમાં ફસાવીને તા.5 એપ્રિલે સવારે 8.30 કલાકે ફોન કરીને વિરપુર મળવા બોલાવતા પંકજ તેના ફઈના દીકરા કિશન શાંતિભાઈ સોખરીયા (પીપળી, મોરબી) ને સાથે તેની કારમાં જાનવીને મળવા માટે 11.30 કલાકે વિરપુર પહોંચી ગયો હતો. 

ત્યાં થોડીવારમાં જાનવી આવી અને કારમાં બેસી ગયેલ અને કહ્યું કે, અહી કોકને ખબર પડી જશે, તમે ગાડી બિલખા લઈ લ્યો, મારી નણંદના ઘરે જવું છે, જેથી પંકજે ગાડી જેતપુર, દેવકી ગાલોળ, પરબ થઈને ભેંસાણ તરફ છોડવડી રોડ ઉપર લીધી હતી, અહી રસ્તામાં જાનવીએ વોશરૂમ જવાના બહાને કાર અટકાવતા ત્યાં અચાનક બે બાઈકમાં ચાર અજાણ્યા શખ્સો આવ્યા અને જાનવી એક બાઈકમાં બેસીને ભેંસાણ તરફ જતી રહી હતી. 

અને અન્ય ત્રણ શખ્સો કારમાં બેસી ગયા અને પંકજને ધમકી આપી કે, તું આ યુવતી સાથે શું કરતો હતો, ચાલ ગાડી વાડીએ લઈ લે, અને ધમકી આપી કે, જાનવી પરણિત છે, અને તેને બે દીકરી છે, જેથી બંનેને 25-25 લાખ મળીને 50 લાખ આપવા પડશે, નહિતર તારા ઉપર બળાત્કારનો કેસ કરી દેશું, ત્યારે પંકજે મારી પાસે આટલા બધા રૂપિયા નથી, તો અપહરણ કરનાર ઈસમોએ ઘરે ફોન કરીને ચેક મંગાવવા દબાણ કર્યું પરંતુ પંકજના ઘરે તેમના મમ્મીએ પણ ચેક આપવાની નાં પાડી દીધી હતી. 

જેથી ત્રણેય ઈસમોએ કારને જેતપુર બસ સ્ટેન્ડ પાસે લઈ ગયા અને ત્યાં પંકજને ઉતારી દીધો અને કહ્યું કે, તું ઘરે જઇને ચેક લઈ આવ અથવા 10 લાખ રૂપિયા લેતો આવ ત્યાં સુધી કિશન અમારી પાસે રહેશે, તેમ કહીને પંકજને જેતપુર ઉતારી ભાગી ગયા હતા, પંકજે ઘરે આવીને ઘરમાં બધાને વાત કરીને ભેંસાણ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી, ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ જણાવ્યું કે, આ કેસમાં પી.આઈ. આર.બી.ગઢવી, એલસીબી સ્ટાફે તપાસ કરતા પંકજને ફસાવી પૈસા પડાવવાનું કારસ્તાન તેના ફઇના દીકરા કિશન અને પ્રિયા નામની યુવતીએ કરેલ છે, જેથી બંનેની ધરપકડ કરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

ડીવાયએસપીએ કહ્યું કે, આ ફરિયાદમાં પહેલેથી જ પંકજનો ફઇનો દીકરો કિશન સોખરીયા શંકાના ઘેરામાં હતો, કારણ કે, શરુઆતથી જ કિશન પંકજની સાથે કારમાં હતો, રસ્તામાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું અને ધાક-ધમકીઓ આપી ત્યારે પણ કિશને એકપણ વખત પ્રતિકાર કરવાની કે, વિરોધ કરવાની કોશિષ કરી ના હતી. જેથી કિશનની આકરી પૂછતાછમાં કિશને કબુલાત આપી કે, તેણે પ્રિયા સાથે મળીને આખુંએ કાવતરું રચ્યું હતું, 

એક દિવસ તે પંકજ સાથે ટી-પોસ્ટમાં ચા પીવા ગયેલ ત્યારે પંકજે બીલ આપ્યું ત્યારે તેના મોબાઇલમાં બેંક એકાઉન્ટમાં 10 લાખ હોવાની જાણ થયેલ, જમીન વેચી હતી, તેના 10 લાખ આવ્યા હતા, જેથી તે રકમ પડાવવાના ઈરાદે કિશને પ્રિયા સાથે મળીને પ્લાન કર્યો હતો, જેમાં રાજકોટના સુલતાનપુરનો શખ્સ જે અગાઉ હનીટ્રેપના કેસનો આરોપી રહી ચુક્યો છે તે શૈલેશગીરી ઉર્ફે ભાણો ગોસાઈ સાથે મળીને કાવતરું રચ્યું અને પ્રિયા જાનવીના નામે પંકજને મેસેજ કરતી હતી, અને મળવા બોલાવીને રસ્તામાં ધાક-ધમકી આપીને 50 લાખની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક